Read Blog in other languages like - Hindi, English

Wednesday, 17 February 2021

નાટય અર્ધ્ય

આતુરતા પૂર્વક કેટલાય દિવસ થી જેની રાહ જોઇ રહી હતી તે દિવસ આવ્યો. સાહિત્ય ક્ષેત્રે મારા પ્રથમ પ્રયાસ ને બિરદાવતી ઘડી એટલે "નાટય અર્ધ્ય" પુસ્તક નું વિમોચન.
ગયા વર્ષે લોકડાઉન દરમ્યાન શ્રી વિઝ્યુઅલ આર્ટ્સ માંડવી દ્વારા અખિલ ગુજરાત એકાંકી નાટય લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ માં KSKV યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ રાજેશ બસિયા સાહેબ અને શ્રી વિનોદ અમલાણી સાહેબ ના વિચાર બીજ અને આયોજન થી આ સ્પર્ધા નું આયોજન કરાયું હતું અને સમાચાર પત્રો માં તેની જાહેરાત કરવામાં આવી. 
બંને કલા ગુરુઓ એ ગઈકાલે વિમોચન પ્રસંગે જે વિગતો આપી એ અનુસાર એમની ધારણા 15,17 નાટકો ની હતી. જેની સામે 21 જિલ્લાઓ માંથી 77 નાટકો એમને મળ્યા હતા. તેમાંથી 3 શ્રેષ્ઠ નાટકો પસંદ કરાયા અને એ સિવાય બીજા 10 નાટકો પસંદ કરાય જેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા. 
સ્પર્ધા ના જજ શ્રી રૂપીન ભાઈ શાહ અને અમલાણી સાહેબે જણાવ્યા અનુસાર આ એક રેકોર્ડ બ્રેક છે. સાહિત્ય જગત માં "નાટય અર્ધ્ય " એ એક માઇલ સ્ટોન સ્થાપ્યો છે. એકસાથે આટલા નાટકો લખાય અને તેનું પુસ્તક પણ બને તે સાહિત્ય જગત માટે મોટી ઘટના છે.
એ પુસ્તક માં મારી કૃતિ એ એક અગત્ય નું સ્થાન મેળવીને  મારા જીવન માં પણ માઇલ સ્ટોન સ્થાપી દીધો છે. 
કચ્છ યુનિવર્સિટી ના કુલપતિ શ્રી જયરાજસિંહ જાડેજા ના વરદ હસ્તે અમને પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું. 
પ્રથમ પારિતોષિક મેળવનાર વડોદરા થી પધારેલ શ્રી કલાપી ધોળકિયા સાહેબ જેઓ પર્ફોર્મિંગ આર્ટસ મા ગોલ્ડ મેડલીસ્ટ ની ડિગ્રી તો ધરાવે જ છે ઉપરાંત અનેક અનેક સિદ્ધિઓ અને પારિતોષિક ની લાંબી યાદી ધરાવે છે. દ્વિતીય પારિતોષિક મેળવનાર રાજકોટ થી પધારેલ  શ્રી કિશોરભાઈ ઘેલાણી પણ ઘણા બધા નાટક લેખન અને દિગ્દર્શન કરી ચુક્યા છે. 
આવા મહાનુભાવો સાથે સ્ટેજ શેર કરવા મળ્યું એ અત્યંત અહોભાવ ની લાગણી છે. 
જિનલ સોલંકી, જીગીશા બેન ત્રિવેદી, રાજેશભાઈ દવે, નમનભાઈ મુનશી બધાં લેખક મિત્રો ને રૂબરૂ મળ્યા નો અનેરો આનંદ અને એક મનગમતા ક્ષેત્ર માં પા પા પગલી માંડવાનો ઉત્સાહ પણ અનેરો રહ્યો. 
વિઝ્યુઅલ આર્ટસ, ગોરધનભાઇ પટેલ (કવિ), ડૉ બસિયા સાહેબ, વિનોદભાઈ અમલાણી સાહેબ સર્વે નો ખુબ ખુબ આભાર.