સ્ત્રીઓ નું Cool અનુકૂલન
સવિતાબેન અને હરેશભાઈ નો એક નો એક દીકરો એન્જીનીયર થઈને બેંગલોર માં નોકરી એ લાગ્યો. શરૂઆત માં તો પેઈંગ ગેસ્ટ ને શેરિંગ ને કરીને રહેતો હતો. પરંતુ નોકરી ના ત્રણ વર્ષ થઇ ગયા પછી એના લગ્ન કર્યા. એ પછી સવિતાબેન અને હરેશભાઇ અવારનવાર બેંગ્લોર જતા. પછી હરેશભાઇ રીટાયર થયા અને દીકરા ને ઘેર પણ દીકરા નો જન્મ થયો એટલે સવિતાબેન અને વહુ દીકરા ની બધાની ઈચ્છા એવી હતી કે મમ્મી પપ્પા એ હવે બેંગ્લોર માં જ રહેવું જોઈએ. હરેશભાઇ એ ના તો ન પાડી પણ બેંગ્લોર ગયા પછી એમની ઝીણી ઝીણી ચક ચક ચાલુ રહેતી હતી. છ સાત મહિના થાય એટલે કોઈક ને કોઈક બહાને એ અમદાવાદ આવે અને પંદર દિવસ નું નક્કી કર્યું હોય તોય એક બે મહિના રોકાઈ ને જાય. સવિતાબેન પણ સાથે આવ્યા જ હોય પણ એનો જીવ દીકરા અને પૌત્ર માં વળગેલો હોય. તો એ જવા ઉતાવળા થતા હોય.
જયારે એ લોકો બેંગ્લોર જવાના હતા ત્યારે સગા વ્હાલા એવું કહેતા હતા કે હરેશભાઇ ને બેંગ્લોર માં ખુબ મજા આવશે પણ સવિતાબેન ને કદાચ નહીં ફાવે કારણ કે હરેશભાઇ વધુ ભણેલા હતા એટલે એમને ત્યાં વાતચીત કરવામાં વાંધો નહીં આવે. અને હરવા ફરવામાંય વાંધો નહીં આવે. પણ બન્યું અવળું , હરેશભાઇ એ એક વખત બધું ફરી લીધું પરંતુ પછી જવાનો એમને કંટાળો આવતો. જયારે સવિતાબેન ને અંગ્રેજી તો નહોતી આવડતી પણ હિન્દી માં વાત કરીને એ અડોસ પાડોશ માં સારા સંબંધો કેળવી લીધા હતા. એટલે એમનો સમય સરસ પસાર થઇ જતો અને એમને મજા પણ આવતી હતી.
આ પ્રકાર ની પરિસ્થિતિ ઓ ઘણા ઘરો માં જોવા મળે છે. ખાસ કરીને અત્યાર ના સમય માં જયારે બીજા રાજ્યો માં કે બીજા દેશો માં નોકરી ધંધા માટે સંતાનો જતા હોય છે અને એમના માતા પિતા એમની સાથે રહેવા માટે એમને ત્યાં જાય ત્યારે પુરુષો જલ્દી થી એડજસ્ટ કરી શકતા નથી. પોતાના જ ફેમિલી ના સભ્યો સાથે રહેવાનું હોવા છતાં પોતાના વતન થી દૂર અલગ શહેર માં તેઓ અનુકૂલન કરી શકતા નથી. એમાંય આ સમસ્યા પચાસ થી મોટી ઉમર ના પુરુષો માં વધુ જોવા મળે છે. થોડા સમય પહેલા મેં એક સર્વે નો રિપોર્ટ વાંચેલો જેના મુજબ પચાસ થી મોટી ઉમર ના વ્યક્તિ ઓ માં પુરુષો કરતા સ્ત્રીઓ વધુ સ્થિતિસ્થાપક એટલે કે ફ્લેક્સિબલ હોય છે. જગ્યા , શહેર , વાતાવરણ અને આસપાસ ના લોકો માં બદલાવ થાય તો સ્ત્રીઓ આસાની થી તેમાં ઢળી જાય છે. પણ પુરુષો જલ્દી તેમાં સહજ થઇ શકતા નથી. ઉમર નાની હોય , યુવાની હોય ત્યારે ધંધા ને નોકરી માટે બીજા પ્રદેશ માં તેઓ જાય છે પરંતુ એકવાર સેટલ થઇ જાય અને પચાસ થી ઉપર જાય પછી સ્થળ પરિવર્તન કરવું તેમને અતિશય કઠિન લાગે છે.
અમુક ઉમર પછી તેમને નવા મિત્રો બનાવવા પણ ગમતા નથી. ઘણી જગ્યા એ આપણે જોઈશું કે નવી ટેક્નોલોજી અપનાવવા માં પુરુષો કરતા સ્ત્રીઓ વધુ આગળ આવે છે. મેં પોતે મોટી ઉમર ના સાઈઠ ઉપર ના કપલ માં જોયું કે મોબાઈલ નો ઉપયોગ સ્ત્રીઓ વધુ કરતી હતી. જયારે પંદરેક વર્ષ પહેલા મોબાઈલ સામાન્ય માણસો ના ઘર માં પહોંચવા લાગ્યા એ સમયે સાઈઠ ઉપર ની ઉમર ના દંપતીઓ માં સ્ત્રીઓ એ એ જલ્દી મોબાઈલ શીખી લીધો હતો. ઇન્ટરનેટ , વોટ્સએપ એ બધું પણ શીખવા માં અને વાપરવા માં સિનિયર સીટીઝનો માં સ્ત્રીઓ જ વધુ જોવા મળશે.
આ કોઈ જનરલાઈઝ સ્ટેટમેન્ટ નથી એટલે કે સો ટકા લોકો ને લાગુ પડતી નથી. પરંતુ મોટા ભાગના દંપતીઓ નું નિરીક્ષણ કરતા આ જોવા મળ્યું છે.
આનું કારણ કદાચ એવું હોઈ શકે કે પુરુષો મોટી ઉમરે પોતાના કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવી શકતા નથી. તેઓ એક રૂટિન અને એક માહોલ માં સેટ થઈ જાય પછી એમાં ફેરફાર કરવામાં તેઓ ને ખૂબ માનસિક ત્રાસ લાગતો હોય છે. મોટી ઉંમરે એકલા થયેલા પુરુષો ઘણી વાર ખૂબ એકલતા અનુભવે છે. કારણકે તેઓ પોતાના રૂટિન માં પત્ની ઉપર ખૂબ જ આધારિત હોય છે અને પોતાને ખૂબ સેફ અનુભવતા હોય છે. એવા સમયે પત્નિ નું અવસાન થાય ત્યારે એમને ખૂબ અકળામણ નો અનુભવ થાય છે કારણ કે પોતાની જરરિયાતોને તે બાળકો પાસે રજૂ કરવામાં સંકોચ અનુભવે છે. પુરુષો સ્ત્રીઓ જેટલી સરળતા થી પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી. એની સામે એકલી પડેલી સ્ત્રીઓ બહુ જલ્દી બાળકો સાથે સેટ થઈ જાય છે. પતિ ની ગેરહાજરી માં પત્નિ પોતાના સંતાનો અને પરિવાર સાથે અનુકૂલન સાધીને રહી શકે છે. જરૂર પ્રમાણે રૂટિન માં ફેરફાર પણ અપનાવી લે છે.
આ સમસ્યા કહો કે લક્ષણો માત્ર ભારત માં જ નહીં પણ દુનિયાભર ના સ્ત્રી પુરુષો ને લાગુ પડે છે. એનું એક કારણ કદાચ એ પણ હોય કે સ્ત્રીઓ માતા પણ હોય છે અને એટલે બાળક માટે એને એડજસ્ટમેન્ટ કરવાનો સ્વભાવ કેળવી લેવો પડે છે. અહીં આપણે સ્ત્રી પુરુષ જાતિગત ભિન્નતા ના રોદણાં રોઈ ન શકીયે કારણ કે બાળક સાથે માતા શારીરિક રીતે જોડાયેલી હોય છે અને એટલે માનસિક રીતે પણ આપોઆપ જોડાઈ જાય છે. એટલે કદાચ પતિ માટે એડજસ્ટ ન કરનાર પત્ની બાળક માટે બધું જ કરવા તૈયાર થઇ જાય છે. પોતાની ખાવા પીવા ની પસંદગી થી લઈને પોતાની કેરિયર સુદ્ધા એ એડજસ્ટ કરતી હોય છે. પુરુષો ના ભાગે આવું કરવાની જરૂરિયાત ઓછી પડતી હોય છે. અને કદાચ એટલે જ સ્ત્રીઓ પુરુષો કરતા વધુ અનુકૂલન કરતી જોવા મળે છે. જો કે સ્ત્રી હોય કે પુરુષ સમય ની માંગ પ્રમાણે દરેક વ્યક્તિ એ અનુકૂળ થતા શીખવું જરૂરી છે.


