ધર્મ - ગુરુ
ધર્મ , ગુરુ અને ધર્મગુરુ આમતો આ ત્રણેય જુદા છે. હમણાં હમણાં ધર્મગુરુઓ બાબતે કેટલોક વિવાદ ચાલી રહ્યો છે. એમાં તો આપણે નથી પડવું પરંતુ ધર્મ અને ગુરુ બાબતે વિચારો ની કેટલીક સ્પષ્ટતા કરીયે.
કબીરે કીધું છે -" ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. "
એટલે કે ગુરુ મોટા કે ઇષ્ટદેવ મોટા ? હવે એજ દોહા માં એનો જવાબ છે કે ગુરુ નો ઉપકાર મોટો કારણ કે ગોવિંદ સાથે ઓળખાણ તો ગુરુ એ જ કરાવી. ગોવિંદ સાથે ઓળખાણ એટલે પ્રભુ નો પરિચય. ધર્મગુરુ એ વ્યક્તિ હોય છે જે તમને ધર્મ નું જ્ઞાન આપે છે , ઈશ્વર નું જ્ઞાન આપે છે. કોઈ પણ પંથ વિશેષ કે ધર્મ વિશેષ ગુરુ તેમના ધર્મ વિશે તમને જણાવે છે. એ ધર્મ ગુરુઓ તેમના ઇષ્ટ દેવ ની મહત્તા સમજાવે છે. આપણે શા માટે તેમને અનુસરવું જોઈએ તે પણ સમજાવે છે. આ સદીઓ થી ચાલી આવતી પ્રથા છે. આપણે સૌ એ બધું જોતા અનુભવતા આવ્યા છીએ.
આપણે આપણી માન્યતા અનુસાર કોઈપણ એક ધર્મ કે પંથ ને અનુસરતા હોઈએ છીએ - સામાન્ય રીતે આપણા ઘર ની રૂઢિ પ્રમાણે ઘર માં જે ધર્મ નું આચરણ થતું આવ્યું હોય એને આપણે પણ અનુસરવા લાગીયે છીએ. એટલે કે આપણી કોરી પાટી પર જે અંકિત થતું જાય એ આપણે માનીને ચાલીયે છીએ. અને સ્વાભાવિક જ એ જ ધર્મ / પંથ ના ગુરુઓ ના સંપર્ક માં આપણે આવીયે છીએ અને એમનું કીધેલું સાંભળીયે છીએ એટલે એમની બનાવેલી છબી અને એમની આપેલી માન્યતા ઓ ને આધારે આપણા મનની અંદર માન્યતા ઓ બને છે. એનો મતલબ એવો થયો કે આપણા મન માં ભગવાન વિશે નું જે ચિત્ર હોય તે ગુરુ એ દોરેલું હોય છે. વાત તો એની એ જ આવી જે કબીરે કહ્યું - ગુરુ એ ગોવિંદ બતાવ્યો.
જયારે તમે ઘરની રૂઢિ થી એક પંથ ને અનુસરો છો ત્યારે કોઈ ખાસ ગુરુ ની મદદ વગર માત્ર પરંપરા નું પાલન કરો છો. સામાન્ય રીતે આપણા સૌ ના ઘરો માં એવું થતું આવ્યું હોય કે નાનપણ થી જ આપણને કોઈ એક ધર્મ ને અનુસરવાનું શીખવવામાં આવે છે. એવું સમજો કે આપણા વડીલો જ આપણા ગુરુ હોય છે જે આપણને ઈશ્વર ની ઉપાસના કરતા શીખવે છે. અને આપણે પણ કોઈ જ વિરોધ વગર એ બધા સાથે અનુકૂળ થતા રહીયે છીએ. આપણી આસપાસ મોટાભાગ ના લોકો આ જ રીતે પોતાના જીવન માં ધર્મ કે પંથ ને સ્થાન આપતા હોય છે. અને પોતાના ધર્મ બાબતે પોતાના વિચારો અમુક નિયમો માં રહીને સીમિત કરી દેતા હોય છે. એટલે કે ધર્મ ગુરુઓ એ જણાવેલ માહિતી ને આધીન રહીને જ ધાર્મિક ક્રિયાઓ અને જ્યાં અસર કરે છે ત્યાં સામાજિક ક્રિયાઓ પણ કરે છે. પરંતુ જયારે કોઈ ગુરુ ના સંપર્ક માં આવીને એમના વિચારો થી પ્રભાવિત થઈને એમણે જણાવેલ પંથ નું અનુસરણ કરો છો તો એ તમારી પોતાની વિચારસરણી અને બુદ્ધિમત્તા અનુસાર લીઘેલો નિર્ણય હશે. દરેક વ્યક્તિ ની ખાવા પીવાની જીવન જીવવાની પોતાની પસંદગી હોય છે એવી જ રીતે ધર્મ ની બાબત માં એવું બની શકે કે કોઈ એક ગુરુ / ધર્મગુરુ ની વાત થી તેઓ એટલા પ્રભાવિત થાય કે આપોઆપ તે એમને અનુસરવા લાગે. મહાવીર સ્વામી અથવા ભગવાન બુદ્ધ જેટલા સંવેદનશીલ અને પ્રબુદ્ધ વ્યક્તિ બધા ન થઇ શકે એટલે કે બધા પોતે જ બુદ્ધ થઇ શકે એટલા જ્ઞાની ન જ હોઈ શકે. અરે પોતાને જ જ્ઞાન પ્રાપ્તિ તો દૂર રહી પણ મોટાભાગના લોકો ને તો પ્રશ્નો ઉદ્દભવતા પણ નથી હોતા. અને એટલા માટે કાંઈ લાબું વિચાર્યા વગર આપણા સમાજ માં 'આગે સે ચલી આતી હે ' ની પરંપરા ચાલતી રહે છે.
સ્વામી વિવેકાનંદ ના જીવન વિશે આપણે જાણીયે છીએ તેમ તેઓ બાળપણ થી જ અસાધારણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. ઈશ્વર વિશે આપણી માફક એમને પણ ઘર માંથી જ્ઞાન મળ્યું પરંતુ જે જ્ઞાન મળ્યું એનાથી એમનું જીવન વ્યતીત કરવાના બદલે એમની જિજ્ઞાસા માં વધારો થયો અને એમણે પોતાને સતાવતા કેટલાક પ્રશ્નો નો ઉત્તર મેળવવા અનેક ગુરુઓ ને મળવાનું શરુ કર્યું. અને એમની શોધ પુરી થઇ શ્રી રામકૃષ્ણ પરમહંસ માં. એવું કહેવાય છે કે શ્રી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ ને ઈશ્વર દર્શન કરાવ્યા હતા. વિવેકાનંદ તો પોતે જ એટલા વિચક્ષણ હતા કે ગુરુ જ્ઞાન મળ્યા બાદ પોતાની આધ્યાત્મિકતા માં પોતે જ વધારો કર્યો. આજે આપણે સૌ એમને અનુસરવા લાગ્યા છીએ. ત્યાં સુધી કે શ્રી રામકૃષ્ણ પરમહંસ ની ઓળખ પણ વિવેકાનંદ ના ગુરુ તરીકે કરવામાં આવે છે.
અહીં મહત્વ ની બાબત મને એ જણાય છે કે શ્રી રામકૃષ્ણ પરમહંસ કેટલા નિર્લેપ , નિર્મોહી છે કે એમને એમના શિષ્ય ને જ્ઞાન આપીને આ ભવસાગર માં તરતો મૂકી દીધો. એમણે એવી ખેવના ન કરી કે વિવેકાનંદ એમના પગ પકડી ને એમના ચરણો માં જીવન વ્યતીત કરે, રોજ એમની પૂજા કરે, રોજ એમના ગુણગાન ગાય. ખરા ગુરુ એ જ હોય છે જે શિષ્ય ને રસ્તો બતાવે છે , આગળ ચાલવાનું શીખવે છે પ્રોત્સાહિત કરે છે. પોતાની પૂજા કરાવવા ની ઈચ્છા રાખે એ ઈશ્વર સુધી આપણને કેમ પહોંચવા દે.
આપણી આસપાસ ઘણા પ્રસંગો જોવા મળે છે કે જેમાં ધર્મગુરુઓ ની ઈશ્વર ની માફક પૂજા કરવામાં આવે છે. ગુરુઓ , સંતો , પાદરીઓ આપણને ઈશ્વર વિશે સમજણ આપનાર માધ્યમ હોય છે ઈશ્વર નહીં. એમને માન આપવું એ નિઃસંદેહ જરૂરી છે. વિવેકાનંદે પોતાના ગુરુ ની યાદ માં રામકૃષ્ણ મિશન ની સ્થાપના કરી અને એના દ્વારા ઘણા ચેરિટી ના કાર્યો પણ કરાવવામાં આવે છે. પણ એમણે પોતાનો કોઈ અલગ ધર્મ સ્થાપ્યો નહોતો કે રામકૃષ્ણ ના નામથી કોઈ અલગ પંથ સ્થાપ્યો નહોતો. વિવેકાનંદ સનાતન હિન્દૂ ધર્મ ના પ્રચારક જ રહ્યા. ગુરુ અને ઈશ્વર બંને અલગ છે. ગુરુ નો ઉદ્દેશ્ય પોતાના શિષ્યો ને ઈશ્વર ની નજીક લઇ જવાનો હોય છે. પોતે જ ઈશ્વર છે એવો પ્રભાવ પાડવાનો નહીં. ગુરુ ની પ્રતિમા તેમના ઇષ્ટદેવ થી પણ મોટી બની જાય ત્યારે ધર્મ નું મૂળ અસ્તિત્વ કેમ રહે? એ ધર્મ મટીને વ્યક્તિ પૂજા કે વ્યક્તિ વિશેષ પંથ બની જાય. અને ધીરે ધીરે જે તે ગુરુ ને ભગવાન રૂપે સ્થાપિત કરવાના પ્રયાસો થવા લાગે. આપણી આસપાસ માં આવા ઘણા ઉદાહરણો જોવા મળશે જ્યાં ગુરુ / ધર્મગુરુ પોતાને ઈશ્વર સાથે સરખાવતાં હોય કે ઈશ્વર નો અવતાર જ સમજતા હોય.
જો કે આસ્થા નો હોય વિષય ત્યાં પુરાવા ની શી જરૂર છે - એટલે આપણે આપણી શ્રદ્ધા થી જે ને અનુસરીએ એના પુરાવા માંગતા નથી. અને અડગ શ્રદ્ધા હોય ત્યાં ચમત્કારો પણ આપોઆપ સર્જાતા હોય છે. એટલે જ તો ધર્મગુરુઓ ને ઘણી વાર ઈશ્વર સમકક્ષ મૂકી દેવાતા હોય છે. મારા અંગત મતે આ બાબત બિલકુલ પુરેપુરી અંગત પસંદગી અને માન્યતા નો વિષય છે. ધાર્મિક સ્વતંત્રતા વ્યક્તિ સ્વાતંત્ર્ય નો એક મોટો હિસ્સો છે. માટે તમે ને હું પોત પોતાના પસંદગી ના ધર્મ / પંથ / ગુરુ ને અનુસરવા સ્વતંત્ર છીએ.




