Read Blog in other languages like - Hindi, English

Tuesday, 10 January 2023

પ્રવાસ કે ફોટો સેશન

 પ્રવાસ કે ફોટો સેશન 


ગયા અઠવાડિયે આપણે લાઈફ ની પ્રીયોરીટી ની વાત કરી.  એના મને ઘણા ફીડબેક મળ્યા.  તેમાં એક ફ્રેન્ડે જણાવ્યું કે તેઓ ના એક જાણીતા ભાઈ ને ફોટોગ્રાફી નો એટલો બધો શોખ છે કે કોઈપણ જગ્યા એ જાય એટલે એ જગ્યા નો ખરો આનંદ માણવા ના બદલે  તે જગ્યા એ  સેંકડો ફોટાઓ પાડવા માં જ સમય વિતાવે.  તેમના ફેમિલી મેમ્બર્સ તેમની આ ટેવ થી કંટાળી જાય.  ફોટોગ્રાફી નો શોખ હોવો ખરાબ વસ્તુ નથી.  જેમને શોખ હોય એ લોકો ને ફોટોગ્રાફી કરવાનું મન થઇ જાય એ સ્વાભિક છે પણ અતિશયોક્તિ તો કોઈ પણ વસ્તુ ની ખરાબ જ છે.  આપણે પરિવાર સાથે આનંદ નો સમય પસાર કરવા પ્રવાસ માં ગયા હોઈએ ત્યારે પરિવાર ની અપેક્ષા હોય કે આપણે આપણો પૂરતો સમય એમની સાથે રહીયે.  સિમલા ના વોક વે પર પતિ પત્ની સાંજે ફરવા નીકળ્યા હોય ત્યારે ચાલતા ચાલતા ખાટી મીઠી વાતો કરતા કરતા બે કલાક ક્યાં પસાર થઇ જાય એ ખબર પણ ન રહે.  પણ ચાલતા ચાલતા દર દસ મિનિટે પતિ કેમેરો કાઢીને સિમલા ના સીન લેવા ઉભો રહી જાય તો પત્ની ને કંટાળો આવવો સ્વાભાવિક  જ છે.  અને એનાથી ઉલ્ટું પણ જોવા મળે છે.  ફરવા જાય ત્યારે સ્ત્રીઓ મન મૂકીને તૈયાર થાય અને પછી એના સેલ્ફી લીધા કરે અથવા પતિને કે બીજા કોઈને ફોટા પાડી દેવા માટે કીધા કરે.  એમાંય વળી યુવતી ઓ ને ફિલ્મ અને સિરિયલો ની પ્રેરણા લઈને નવા નવા પોઝ સુજે અને એવા ફોટા પડાવવા નો આગ્રહ રાખે.  આવું થાય ત્યારે એક સમયે એવો વિચાર આવી જાય કે તમે અહીં પ્રવાસ માં ફરવા આવ્યા છો કે ફોટા પડાવવા.  વળી પ્રવાસ ના દરેક સ્થળે જુદા જુદા કપડાં જ જોઈતા હોય કારણ કે બધા ફોટા માં એકસરખા કપડાં ન આવવા જોઈએ.  એનો મતલબ એમ કે તમારે કપડાં પણ ઢગલો લઈને જવું પડે.  અને ઉપરથી જ્યાં ગયા હોય ત્યાં થી ખરીદી કરવામાં આવે એ જુદું.  એટલે પ્રવાસ માં થી પાછા ફરતી વખતે ડબલ વજન સહન કરવાની તૈયારી રાખવી પડે.  જો કે નવપરિણીત યુગલ ને આ બધામાં બાદ કરવા જોઈએ કારણકે એ સમયે નવોઢા સુંદર તૈયાર થઈને પોતાના પતિ સમક્ષ રહેવા માંગતી હોય એ સ્વાભાવિક છે.  

     

બાકી અન્યો માટે ખરી રીતે તો પ્રવાસ માં જતી વખતે ઓછામાં ઓછો સમાન સાથે રાખવો જોઈએ.  આપણે ફરવા જઇયે ત્યારે તે જગ્યા ની સુંદરતા , મહત્તા ત્યાંનું સ્થાનિક સામાજિક જીવન આ બધું જોવા માણવા જતા હોઈએ છીએ.  એ સમયે આપણા કપડાં અને ફોટો ગ્રાફી ને મહત્વ આપીને આપણે તે સ્થળ ને માણવા નો સમય વેડફી નાખીયે છીએ.  અરે સમય તો ઠીક પણ આજકાલ કેટલાક યુવાનિયા ઓ ફોટોગ્રાફી ની ઘેલછા માં જીવન પણ ગુમાવી રહ્યા છે.  ખતરનાક જગ્યા ઓ ઉપર સેલ્ફી લેતી વખતે પાણી માં પડી જવું કે પહાડો ઉપર થી પડી જવું જેવા બનાવો બની રહ્યા છે.  મુંબઈ ની લોકલ ટ્રેન માં આવી જ રીતે ચાલુ ટ્રેન માથું વિડીયો બનાવતી વખતે ખતરનાક સ્ટન્ટ કરવા જતા  જીવન ગુમાવનાર યુવાન નો વિડીયો પણ ખુબ હાઈલાઈટ થયો હતો.  

પરિવાર કે મિત્રો સાથે ફરવા જતી વખતે યાદગીરી રૂપે ફોટો અને વિડીયો બનાવવા ખોટું નથી.  પણ બસ એની અતિશયોક્તિ ન હોવી જોઈએ.  આપણે ફોટા પડાવતી વખતે મગજ માં એવો વિચાર રાખીયે કે આ ફોટો લોકો ને બતાવીને એટલે કે સ્ટેટ્સ માં મૂકીને હું આવું જતાવીશ અથવા તો ફલાણા લોકો ને ઈર્ષા કરાવીશ તો એનો મતલબ એ થયો કે ફરવાના સ્થળે નિજાનંદ કરવાના બદલે તમે બીજા લોકો વિષે મગજ માં વિચારો છો.  ખરી રીતે આપણે ફોટોગ્રાફ એટલે રાખતા હોઈએ કે વર્ષો પછી એ ફોટા જોઈને આપણે આપણા જુના પ્રવાસ ને ફરીથી યાદ કરીને ખુશી  મેળવી શકીયે.  પણ હાલ માં સોશિઅલ મીડિયા પર પોતાની સારી નરસી દરેક બાબતો નું પ્રદર્શન કરવાની હોડ માં લોકો ફોટા પાડવા ઉતાવળા થાય છે અને પછી એને સ્ટેટ્સ માં મુકવા ઉતાવળા થાય છે.  મોટા શહેરો માં ઘર ના નોકરો અને જાણભેદુ દ્વારા થતી ચોરી માં આવા ફોટા શેરિંગ નો પણ મોટો ફાળો છે.  કારણ કે એ લોકો સોશિઅલ મીડિયા દ્વારા જાણી જાય છે કે આ ફેમિલી ટુર માં આ જગ્યા એ ગયું છે અને એનો એ લોકો ગેરફાયદો ઉઠાવે છે.  આથી ટુર ઉપર હોઈએ ત્યારે ક્યારેય ફોટા મુકવા જોઈએ નહીં.  ટુર પતાવીને ઘરે પાછા આવીને ટુર નું સંક્ષેપ વર્ણન કરતા થોડા ફોટા મૂકી દેવાય જેથી ઘરફોડ જેવા સંકટો ટાળી શકાય.  

ફોટા પડાવવાની ઘેલછા પાછળ નું કારણ પોતાની જાત પ્રત્યે ની ઘેલછા હોય છે.  પોતાની જાતને સુંદર જોવાની અને બીજાની પાસે સુંદર દેખાવા ની  મનોકામના આ ફોટોગ્રાફી ની લત માં પરિણમે છે.  પહેલાનો સમય એવો હતો જયારે ફોટોગ્રાફી પૈસાવાળા નો શોખ ગણાતો હતો કારણકે મોંઘા કેમેરા , મોંઘા રોલ અને મોંઘુ એનું પ્રિન્ટિંગ.  જયારે આજે ડિજિટલ જમાના માં મોબાઈલ ફોટોગ્રાફી એ ઘર ના દરેક મેમ્બર ને ફોટોગ્રાફર બનાવી દીધા છે.  હવે તો મોબાઈલ સુદ્ધા એના કેમેરા ની ક્વોલિટી થી વેચાય છે.   એટલે ફોટોગ્રાફ્સ નો સમુદ્ર ઉમટ્યો છે.  જો કે અગાઉ કહ્યું એમ કોઈ પણ વસ્તુ ની અતિશયોક્તિ સારી નથી.  પ્રવાસ ના સ્થળો તમારા દિમાગ માં કેદ થવા ના બદલે કેમેરા માં કેદ થાય એ બદનસીબી કહેવાય.  ખરું જોતા હનીમૂન અથવા પરિવાર સાથેની ટુર આપણા સંબંધોને ઘટ્ટ બનાવવા માટે હોવા જોઈએ અને એના માટે કેમેરા જેવી ત્રીજી વસ્તુ વચ્ચે ન આવે તો જ નજીક રહેવાની દરેક ક્ષણ ઉર્જા આપી શકે.  




No comments:

Post a Comment