દુર્ગાવતી દેવી (દુર્ગા ભાભી) - ઓછા જાણીતા સ્વાતંત્ર્ય સેનાની
બે દિવસ પછી આપણે ભારત દેશ નો ચુંમોતેર મો પ્રજાસત્તાક દિવસ મનાવવા જઇ રહ્યા છીએ. આપણા દેશ ને આઝાદી અપાવવામાં અનેક અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સૈનિકો નો હાથ છે જેમણે હસતા હસતા પોતાનું ઘર , પરિવાર , પૈસા અને પ્રાણ સુદ્ધા ની આહુતિ આપી દીધી છે. શહીદ ભગતસિંહ , રાજ્યગુરુ , ચંદ્રશેખર આઝાદ , બિસ્મિલ્લાખાન , ખુદીરામ બોઝ , રામપ્રસાદ બિસ્મિલ , અશફાક ઉલ્લાખાન, પ્રફુલ ચાકી , વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, દુર્ગાવતી દેવી અને મદનલાલ ઢીંગરા . આતો બહુ જ ઓછા નામોની યાદી છે. આ સિવાય તો સેંકડો સ્વાતંત્ર્ય વીરો છે જેમના લોહી થી આ ધરતી રસાળ થઇ કે જેમના અજાણ્યા બલિદાનો એ આપણને સૌને આજે ખુમારી થી જીવવા ને લાયક બનાવ્યા છે.
આ સ્વાતંત્ર્ય વીરો માં પણ સ્વાભાવિક રીતે જ પુરુષો જ વધુ રહ્યા હતા. પરંતુ કેટલીક વીરાંગનાઓ એ પણ ખુબ મહત્વ ના ભાગ ભજવી ને સ્વાતંત્ર્ય ના આ યજ્ઞ માં પોતાની યથાયોગ્ય આહુતિ આપી હતી. આજે મારે વાત કરવી છે આવી જ એક વીરાંગના દુર્ગાભાભી વિશે . દુર્ગાવતી દેવી જેમને સૌ દુર્ગાભાભી તરીકે ઓળખાતા હતા એમણે જહાલ વાદી ક્રાંતિકારીઓ ને સાથ આપીને ખુબ મહત્વ નું કામ કરેલું. તેઓ આ બધા ક્રાંતિકારીઓ વચ્ચે ની સંપર્ક ની સાંકળ જેવું કામ કરતા હતા.
ઈલાહાબાદ જિલ્લા માં 7 ઓક્ટોબર 1907 ના રોજ જન્મેલા દુર્ગાવતી ના પિતા નું નામ પંડિત બાંકે બિહારી હતું. તેમના દાદા પંડિત શિવશંકર શાહઝાદપૂર ના જમીનદાર હતા. અને દુર્ગાવતી તેમને ખુબ વ્હાલા હતા ,નાનકડી દુર્ગા ની લગભગ બધી માંગણીઓ દાદા પુરી કરતા. જો કે એ સમય ની પ્રથા પ્રમાણે માત્ર દસ વર્ષ ની ઉંમરે દુર્ગાવતી દેવી ના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. દુર્ગા ના પિતા બાંકે બિહારી અંગ્રેજ સરકાર માં કલેક્ટર ઓફિસ માં નજીર ના પદ પર નોકરી કરતા હતા. દુર્ગાવતી ના લગ્ન જેમની સાથે થયા તે ભગવતીશરણ બોહરા પણ ક્રાંતિકારી હતા. દુર્ગાવતી ના સસરા લાહોર માં રેલવે માં ઊંચા પદ પર નોકરી કરી રહ્યા હતા. અને અંગ્રેજો એ એમને 'રાય સાહેબ' નો ખિતાબ પણ આપ્યો હતો.
દુર્ગાવતી દેવી ના પતિ ભગવતી શરણ બોહરા ઘણા જ સક્રિય ક્રાંતિકારી હતા તેઓ 'હિન્દુસ્તાન સોસિઓલીસ્ટ રિપબ્લિકન એસોસિયેશન' ના મુખ્ય માણસ કહો કે માસ્ટર બ્રેન હતા. તેઓ બૉમ્બ બનાવવા માં અત્યંત કુશળ હતા. આમ તો એમના વિશે એક અલગ લેખ લખી શકાય તેવું તેમનું વ્યક્તિત્વ હતું પરંતુ આજે આપણે એમના ધર્મપત્ની વિશે જાણીયે.
બધા ક્રાંતિકારીઓ ની પત્નીઓ પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ માં સક્રિય હોય કે કમસેકમ સાથ આપતી જ હોય એવું પણ ન બનતું હોય તેવા સમયે દુર્ગાવતી દેવી એ ખાલી સાથ જ ન આપ્યો પણ પોતાની બુદ્ધિ ક્ષમતા થી અંગ્રેજો ની આંખ માં ધૂળ નાખીને અનેક ક્રાંતિકારી પ્રવૃતિઓ ને સફળ બનાવવામાં ખુબ મોટો ફાળો પણ આપ્યો. દુર્ગાવતી દેવી પોતે પણ બૉમ્બ બનાવતા પતિ પાસેથી શીખી ગયા અને બનાવવા પણ લાગ્યા હતા. એમણે લાહોર અને કાનપુર માં રહીને બંદૂક ચલાવતા પણ શીખી લીધું હતું. તેમણે અંગ્રેજ ગવર્નર હેલી ઉપર ગોળી ચલાવી હતી. એના નસીબે એ બચી ગયો પણ અન્ય એક સૈન્ય અધિકારી ટેલર ઘાયલ થઇ ગયો. મુંબઈ ના પોલીસ કમિશનર ને પણ દુર્ગાભાભી એ ગોળી મારી હતી. પોતાના પતિ ભગવતી શરણ ને દરેક કામ માં દુર્ગાવતી દેવી સાથ આપતા હતા. તેમની પ્રવૃતિઓ ના ભાગરૂપે સાથી ક્રાંતિકારીઓ ની તેમના ઘરે ખુબ આવજાવ રહેતી અને દુર્ગાવતી દેવી એ બધા નવલોહિયા ઓ ને પ્રેમ પૂર્વક જમાડતા અને સાચવતા એટલે જ એમને 'ભાભી' નું ઉપનામ મળ્યું હતું.
આ બધા નો સંદેશાવ્યવહાર ભાભી ના માધ્યમ થી થવા લાગ્યો હતો અને ધીમે ધીમે દુર્ગાવતી દેવી સામાન હથિયાર વગેરે ની હેરફેર પણ કરવા લાગ્યા હતા. ચંદ્રશેખર આઝાદ એ અંગ્રેજ સામે લડતી વખતે જે બંદૂક થી પોતાને ગોળી મારી હતી એ બંદૂક દુર્ગાવતી દેવી એ જ લાવી આપી હતી. ભગત સિંહ ને કોલકાતા ના કોંગ્રેસ ના અધિવેશન સુધી પહોંચાડવા માટે દુર્ગાવતી દેવી એ નાટકીય રીતે વ્યૂહરચના ઘડી અને વેશપલટો કરીને ભગતસિંહ , રાજ્યગુરુ અને આઝાદ ને સહી સલામત કોલકાતા પહોંચાડીને આપણા દેશ ના મહાન ક્રાંતિકારીઓ નો જીવ બચાવ્યો હતો. એ લોકો ને લાહોર થી ટુકડે ટુકડે મુસાફરી કરીને કોલકાતા પહોંચાડ્યા હતા જયારે લાહોર રેલવે સ્ટેશન ઉપર પાંચસો જેટલા પોલીસો તેમને પકડવા તૈયાર હતા. અને કોલકાતા રેલવે સ્ટેશન ઉપર પણ પોલીસ જવાનો તેમને પકડવા તૈયાર ઉભા હતા. દુર્ગાવતી દેવી ની સમય સુચકતા અને હોશિયારી થી એ લોકો સહી સલામત ગંતવ્ય સ્થળે પહોંચી શક્યા હતા. જો કે બદનસીબે દુર્ગાવતી દેવી ને આઝાદી પછી પણ તેમના કાર્યો માટે ક્યારેય સન્માન મળવા પામ્યું ન હતું.
ભગતસિંહ અને સાથીદારો ને પકડાયા બાદ ફાંસી ની સજા જાહેર થઇ ત્યારે પણ દુર્ગાવતી દેવી અને તેમની નણંદ સુશીલા દેવી એ પોતાના બધા જ ઘરેણાં વેચીને વકીલ ની ફી ભરીને ભગતસિંહ અને સાથીદારો ને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ગાંધીજી ને પણ લેખિત અને મૌખિક વિનંતીઓ કરી હતી કે ભગતસિંહ ની ફાંસી માં માફી આપવા માટે તેઓ અંગ્રેજો ને દબાણ કરે પરંતુ એવું બન્યું નહીં. એમના પતિ ભગવતી શરણે એ લોકો ને છોડાવવા બૉમ્બ થી વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી અને એના પરીક્ષણ દરમ્યાન ભૂલથી વિસ્ફોટ થઇ જતા તેઓ મૃત્યુ પામ્યા. એ સમય હતો 1930 નો મે મહિનો. દુર્ગાવતી દેવી ને ખુબ આઘાત લાગ્યો. એમ છતાં જેમ તેમ કરીને તેઓ પોતાનાથી શક્ય પ્રવૃતિઓ કરતા રહ્યા, ત્રણ વર્ષ જેલવાસ પણ ભોગવ્યો. પરંતુ ધીમે ધીમે કરતા બધા જ ક્રાંતિકારીઓ નો સાથ છૂટતો ગયો. અને તેમના બાળકો પણ મોટા થવા લાગ્યા અંતે 1935 માં તેમણે ગાઝિયાબાદ ગમન કર્યું અને શિક્ષક તરીકે નોકરી પણ કરી એ દરમ્યાન બે વર્ષ કોંગ્રેસ માં પણ સભ્ય રહ્યા પરંતુ પછી કોંગ્રેસ છોડી દીધી. પછીથી મોન્ટેસરી સિસ્ટમ ની ટ્રેનિંગ લઈ. એના વર્ગો શરુ કર્યા.
આઝાદી પછી છેક 1956 માં નહેરુજી ને એમના વિશે ખબર પડતા એ દુર્ગાવતી દેવી ને મળ્યા હતા અને મદદ કરવા તૈયારી બતાવી હતી એવું કહેવામાં આવે છે. પરંતુ દુર્ગાવતી દેવી એ વિનમ્રતા થી ના પડી અને આ બધા થી દૂર રહીને જીવન પસાર કર્યું. સન 1999 માં તેઓ અવસાન પામ્યા. પરંતુ આપણે સૌ તેમના વિશે ઘણું જ અલ્પ માત્રા માં જાણીયે છીએ.
રાષ્ટ્ર માટે પોતાનું તન, મન, ધન , જીવન અને સઘળું જ સમર્પિત કરી દેનાર આવા ઘણા સ્વાતંત્ર્ય વીરો કાળ ના ચક્ર માં ધરબાઈ ગયા હશે. દુર્ગાભાભી જેવી બીજી પણ વીરાંગના ઓ હશે જેમણે ઘર પરિવાર ના ભોગે માતૃભૂમિ માટે સર્વસ્વ લૂટાવ્યું હશે અને જેમની કોઈ તખ્તી , સ્મારક કે નિશાનીઓ સાચવવા માં નથી આવ્યા. આજે ગણતંત્ર દિવસ ના શુભ અવસરે આવા અનેક સ્વાતંત્ર્ય વીરો ને આપણા નમન.

No comments:
Post a Comment