Read Blog in other languages like - Hindi, English

Tuesday, 27 December 2022

કોને કહું , મારા મન ની વાત

 કોને કહું , મારા મન ની વાત 


શાલીન સાંજે ઘર માં આવ્યો ત્યારે પૂર્વા બેડરૂમ માં બેસીને કોઈની સાથે ફોન માં વાતો કરી રહી હતી.  પહેલા તો હસી હસી ને વાતો કરતી હતી પણ શાલીન કપડાં બદલવા બેડરૂમ માં આવ્યો એટલે એને જોઈને મૂડ બદલાઈ ગયો. શાલીન સાંભળે એવી રીતે ફોન માં બોલવા લાગી કે "આપણી તો ઘર માં કોઈ વેલ્યુ જ નથી હોતી.  આપણે બધાને સાચવી સાચવી ને તૂટી જઇયે પણ લોકો ને આપણી કઈ પડી જ નથી હોતી.  આપણી ઈચ્છાઓ તો મારી જ નાખવાની.  આપણને ક્યાં કોઈ હક જ છે.  "   આવું તો ઘણું ય બોલી.  શાલીન સાંભળતો હતો.  એને ઘણો ગુસ્સો આવ્યો.  એણે ગુસ્સાથી પૂર્વા ની સામે જોયું અને બહાર આવવાનો ઈશારો કરીને બહાર રૂમ માં જતો રહ્યો.  

પૂર્વા એ ફોન બંધ કર્યો અને બહાર ના રૂમ  માં આવી. એને જોતા વેંત જ. શાલીન ઉકળી પડ્યો કે "આ બધું શું માંડ્યું છે - તું આ બધુ કોને સંભળાવી રહી હતી.  તને શું તકલીફ છે. " પૂર્વા પણ ગુસ્સામાં આવી ગઈ અને બોલવા લાગી કે તમને બધે મારા વાંક જ દેખાય છે.  હું તમને ગમતી જ નથી મારા ઘર ના તમને ગમતા જ નથી વગેરે વગેરે.  ... આ સાંભળીને તો શાલીન નો ગુસ્સો વધુ ઉકળ્યો , કે આમાં તારા ઘર ના ક્યાં આડા આવ્યા અને તકલીફ શું છે એ બોલ. " પછી પૂર્વા એ કીધું કે કાલે કઈ તારીખ હતી.  શાલીને કહ્યું "તારીખ ને માર ગોળી તું સીધી વાત કર." એટલે પૂર્વા એ કહ્યું કે ગઈ કાલે એના ભાઈ ની પહેલી એનિવર્સરી હતી અને પૂર્વા એ અગાઉથી શાલીન સાથે વાત કર્યા મુજબ એ બંને તરફ થી પૂર્વા ના ભાઈ ભાભી ને હોટેલ માં જમવા લઇ જવાના હતા.  શાલીન થોડો છોભીલો તો પડી ગયો પણ એણે કહ્યું કે એવું હતું તો પૂર્વા એ શાલીન ને કાલે સવાર માં કહી દેવાય ને.  તો પૂર્વા એ કહ્યું કે હું જોવા માંગતી હતી કે તમને યાદ છે કે નહીં મારા ભાઈ નું તમારા માટે કેટલું મહત્વ છે.  

બસ પછી તો બંને વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપો ની વણજાર ચાલી અને ઉગ્ર ઝગડો કરીને બંને જમ્યા વગર જ સુઈ ગયા.  

ઘણા બધા પતિ પત્ની વચ્ચે આવા સંવાદો અને આવા ઝગડા ઓ જોવા મળતા હોય છે.  ઘણી સ્ત્રીઓ ની આવી આદત જોવા મળતી હોય છે કે પોતાના ઘર ની કે પોતાના પતિ ની ફરિયાદ પોતાની બેન કે બેનપણી ઓ ને કરતી હોય. બીજા ને અંગત વાત કહેવી કેટલી વ્યાજબી છે એ સમજી વિચારીને લેવાનો નિર્ણય હોય છે.  પતિ પત્ની વચ્ચે ની વાત બની શકે ત્યાં સુધી તેમની વચ્ચે જ રહે તે સૌ થી ઉત્તમ બાબત છે.  દુનિયા ની મોટા ભાગ ની સ્ત્રીઓ ની ફરિયાદ હશે કે એમના પતિ,  પત્ની ઓ એ કહેલી વાત ભૂલી બહુ જાય છે.  તો જયારે આ બાબત જ વિશ્વ વ્યાપી છે, ત્યારે સ્ત્રીઓ એ સમજવું જ જોઈએ કે પુરુષો નું આવી બાબતો નું ભૂલી જવું એક કુદરતી સ્વભાવ છે.  એના થી ચિડાવા ના બદલે એમને યાદ અપાવી દેવાથી પ્રશ્ન નું નિરાકરણ આવી જશે.   ઉપર ની ઘટના માં જોઈએ તો પૂર્વા એ શાલીન ને આગળ ના દિવસે સવારે હળવે થી યાદ અપાવી દીધું હોત કે આપણે આ પ્રોગ્રામ કરવાનો છે તો આવી કોઈ માથાકૂટ રહેત નહીં.  કારણ કે આ કિસ્સા માં શાલીન નો ઈરાદો પોતાની પત્ની ને દુઃખી કરવાનો કે પોતાના સાળા ને અપમાનિત કરવાનો ન હતો.  એ માત્ર ભૂલી ગયો હતો. 

પતિ પત્ની વચ્ચે આવી ઘણી બાબતો બનતી રહેતી હોય છે જેમકે પત્ની ની તબિયત નરમ  હોય પણ એ કોઈ ને કહે નહીં અને ઘર નું રૂટિન કામ કરતી રહે.  પણ મન માં અપેક્ષા રાખે કે  પતિ એનું મોઢું જોઈને સમજી જાય કે પત્ની ને કૈક તકલીફ છે.  બનતું હોય એવું કે પતિ મહાશય ને જરાય અંદાજ જ ન આવે કે એની રાણી સાહેબ બીમાર છે.   એ  જરાય પૂછે નહીં અને પછી ધીરજ ખૂટે ત્યારે રાણી સાહેબ રોઈ પડે અથવા ઝગડો કરે.  આવા સમયે જો પત્ની એ પહેલા જ કહી દીધું હોય કે એની તબિયત નરમ છે તો પતિ એની સંભાળ લઇ શકે.  ટૂંક માં પતિ કે પત્ની એ એકબીજા માટે ની અપેક્ષા , લાગણી , ગુસ્સો ને પ્રેમ બધું જ સૌ પ્રથમ એકબીજા ને જ કહેવું જોઈએ.  મોટાભાગે એમાંથી સોલ્યુશન થઇ જ જાય. અત્યારે આપણે  સ્ત્રીઓ ના પ્રશ્નો ની જ વાત કરી રહ્યા છીએ એટલે એ બાજુ પર જ વિચાર કરીયે.  (પુરુષો ના મન ની વાત ફરી ક્યારેક ). 


બીજા કિસ્સાઓ એવા પણ હોઈ શકે કે જ્યાં બંને વચ્ચે ખરેખર કોઈ પ્રોબ્લેમ હોય. ઘણી વાર કોઈ પુરુષો ખરેખર પત્ની ની કેર ન કરતા હોય , તેમને મહત્વ ન આપતા હોય એવું બને.  તો આવા સંજોગો માં પણ પતિને ને પોતાના મન ની વાત સૌ પહેલા જણાવવી ને સમજાવવી જોઈએ.  એમ છતાં એ ધ્યાન ન આપે તો પતિ ની નજીક હોય ને ઘર ની હિતેચ્છુ હોય એવી વ્યક્તિ ને વાત કરવી જોઈએ જેથી પ્રશ્ન નું નિરાકરણ આવી શકે.  સ્ત્રીઓ ને સામાન્ય રીતે આદત હોય છે પોતાની નજીક ની બહેનપણી પાસે પોતાની વ્યથા ઠાલવવાની.  બહેનપણી ને કહેવામાં બીજો કોઈ વાંધો તો નથી પણ એનાથી પ્રશ્ન નું નિરાકરણ આવતું નથી અને તમારી બેનપણી ના મન માં તમારા પતિ અને સાસરિયા  વિશે નેગેટિવ છાપ પડે છે.  વળી બેનપણી જો પાડોશી હોય તો સંભવ છે કે ભવિષ્ય માં તમારા સંબંધો માં નબળાઈ આવે તો એ કેટલીક વાતો બીજાને પણ કહી દે.  તમારી અંગત વાતો જયારે મસાલા સ્ટોરી ની જેમ ચર્ચાવા લાગે ત્યારે સ્વાભાવિક છે કે તમને આઘાત લાગે.  આથી જો સમયસર સમજણ વાપરી ને સંવાદ કરવામાં આવે તો મોટાભાગે પ્રશ્નો જ ઉકેલાઈ જતા હોય છે અને કુટુંબ ની પ્રતિષ્ઠા પણ જળવાઈ રહેતી હોય છે.  


અસામાન્ય સંજોગો , ગંભીર બાબતો કે અપવાદરૂપ કિસ્સાઓ હોય જ છે, જેમાં બહાર ના લોકો અને કાયદા નો સહારો પણ લેવો પડે પરંતુ ઘર ના કેટલાક નાના કંકાસો માત્ર આવી ગેર સમજણો ના લીધે ઉભા થતા હોય તો નાનકડા સંવાદ થી એને દૂર કરવામાં વધુ ડહાપણ રહેલું છે.  તમને નથી લાગતું ??   




Tuesday, 20 December 2022

ભારત ની સ્ત્રી સાહસિકો

 ભારત ની સ્ત્રી સાહસિકો 

ટેલિવિઝન ઉપર હમણાં શાર્ક ટેન્ક નામનો એક ટીવી શો આવી ગયો જેમાં પોતાના નાવીન્ય વાળા વિચારો માટે લોકો બીજી મોટી કંપનીઓ પાસેથી પૈસા મેળવી શકે.  એ પ્રોગ્રામ માં સ્ત્રી સાહસિકો નું પ્રમાણ ખાસ્સું નોંધપાત્ર જોવા મળ્યું.    જુના સમય થી એક સુવાક્ય સાંભળતા આવ્યા છીએ - એક સફળ પુરુષ ની પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે.   એ જૂનો જમાનો હતો જયારે સ્ત્રી ને પડદા પાછળ રહી ને કામ કરવું પડતું હતું.  આજે સ્ત્રી પોતાના વિચારો પોતે જ અમલ માં મૂકીને કામ કરી શકે છે.    વ્યવસાય , કલા અને બિઝનેસ માં પોતાની સૂઝબૂજ નો સુપેરે ઉપયોગ કરીને સફળતા મેળવી શકે છે.   

શાર્ક ટેન્ક ઇન્ડિયા માં જજ તરીકે આવતાં નમિતા થાપર એક ફાર્માસ્યુટિકલ કંપની ચલાવે છે.  તેઓ માત્ર 44 વર્ષ ના છે અને ભારત ની અગ્રગણ્ય મહિલા સાહસિકો માં તેમની ગણતરી થાય છે.   વિનિતા સિંહ તેમાંના બીજા જજ છે જેઓ પણ યુવાન વયે ઘણી સફળતા મેળવી ચુક્યા છે.  17 વર્ષ ની ઉંમરે જ તે નક્કી કરી ચુક્યા હતા કે તેને બિઝનેસ કરવો છે.  IIM અમદાવાદ થી મેનેજમેન્ટ ડિગ્રી મેળવીને એક ખુબ જ મોટા પગાર ની જોબ ની ઓફર તેમણે નકારી હતી.  અને પોતાનો નાનો  ધંધો શરુ કર્યો હતો.  પ્રથમ પ્રયાસ માં નિષ્ફળતા મળવા છતાં તે હાર્યા વગર બીજા પ્રયાસ માં લાગ્યા અને સફળતા પણ મેળવી.   કિરણ મઝુમદાર પણ એક નામાંકિત ઉદ્યોગ સાહસિક છે તેઓ પણ ફાર્માસ્યુટિક કંપની ચલાવે છે.   એલિસ વૈદ્યન ઇન્સ્યોરન્સ કંપની ના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર છે.  જેમણે ભારત ની ટોચની 10 વીમા કંપનીઓ માં પોતાની કંપની ને પહોંચાડવા નોંધપાત્ર યોગદાન આપ્યું.  ઝરીન દારૂવાલા એ પોતાના બુદ્ધિ કૌશલ્ય થી માત્ર  2 જ વર્ષ માં  સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક ને નફો કરતી કરી દીધી .   ઝિયા મોદી  ની વકીલાત ની પેઢી ભારત ની ટોચ ની એડવાયસરી કમ્પનીઓ માંની એક છે.   જેમણે વિશાળ કંપનીઓ ના મર્જર ના સોદા પાર પાડ્યા છે. આવા તો અનેકાનેક નામો મળી આવશે.

દશકા ઓ પહેલા જયારે સ્ત્રી સશક્તિકરણ નો પવન ફૂંકાયો ત્યારે શરૂઆત માં નોકરી કરતી સ્ત્રીઓ ને જોઈ લોકો ભવા ઊંચા કરતા . એટલે કે સ્ત્રીઓ ને જોઈને કૌતુક અનુભવતા.  સાઈઠ સિત્તેર  ના દાયકા માં કામ કરવા વાળી મહિલા ઓ ને ખુબ માનસિક હિંમત ની જરૂર પડતી.   એ સમય એવો હતો કે ઘર ના સભ્યો નો સાથ સહકાર પણ મળતો ન હતો.  મોટેભાગે એવું ચિત્ર હતું કે આર્થિક જરૂરિયાત હોય તો જ  સ્ત્રીઓ કામ કરતી એટલે કે નોકરી કરતી.  અપવાદરૂપ મહિલા ઓ તો ત્યારે પણ હતી.  ઘણા કુટુંબ એવા હતા જેમણે પોતાની દીકરીઓ ને કારકિર્દી બનાવવા માટે નાનપણ થી જ પ્રોત્સાહિત પણ કરી હોય.  પણ એ વર્ગ જૂજ હતો.  હવે આજે પચાસ વર્ષો પછી સમય એટલો બધો બદલાઈ ગયો છે કે દરેક ઘર માં દીકરી , વહુઓ નોકરી કે કામ ધંધો કરતી જોવા મળે છે.  ઘર માં દીકરા ની સાથે ને સાથે દીકરી ને પણ કેરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.  નોકરી ધંધો કરતી સ્ત્રીઓ દરેક ઘર માં  સામાન્ય ગણાવા લાગ્યું છે.  અને એથીય આગળ વધીને આજે સ્ત્રી ઓ ના વડપણ હેઠળ કામ કરતા અનેક પુરુષો પણ જોવા મળે છે.  જે બાબત પુરુષો ને પણ અસામાન્ય નથી લાગતી.  પહેલા જે અસહજતા હતી તે હવે રહી નથી.  આજે દેશ દુનિયા માં મહિલા સાહસિકો ની સંખ્યા માં નોંધપાત્ર વધારો થયો છે અને હજી પણ ઉત્તરોત્તર તેમાં વધારો થઇ રહ્યો છે.  સ્ત્રી ઓ કુશળ  મેનેજર - વહીવટ કર્તા સાબિત થઇ રહી છે તે વિષય પર હમણાં જ મેં એક આર્ટિકલ લખ્યો હતો.  ભારત માં અને વિદેશો માં પણ મહિલા આંત્રપ્રિનિયોર એટલે કે સાહસિકો ની સંખ્યા વધી રહી છે. આપણા દેશ માં પ્રધાનમંત્રી  મોદીજી એ સ્ટાર્ટ અપ પ્રોત્સાહન માટે નાણાકીય યોજના ઓ ઉપલબ્ધ કરાવી છે.   અને એ સિવાય પણ મોટી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ લોન ઉપલબ્ધ કરાવી રહી છે.   


 જો કે આવનારો સમય હું એવો જોઈ રહી છું જેમાં સ્ત્રીઓ ને પ્રોત્સાહન માટે આવા અલગ લેખો ની જરૂર જ નહીં રહે.  તમારો બોસ , તમારો બિઝનેસ નો મલિક સ્ત્રી છે કે પુરુષ એ વાત થી કોઈ ને ફરક નહીં પડે.  અને આપણે પણ એ જ રીતે જોતા દ્રષ્ટિ  કેળવવી જોઈશે.    




Tuesday, 13 December 2022

સુંદરતા ની તમારી વ્યાખ્યા શું છે

નિશિતા ભટ્ટ પંડ્યા
5 September 2022
 
 

સુંદરતા ની તમારી વ્યાખ્યા શું છે

 
 
"બ્લેક બ્યુટી" શબ્દ સાંભળ્યો છે ક્યારેય ?  ગુજરાતી માં કાળી પણ કામણગારી એવો શબ્દ પ્રયોગ તો  સાંભળ્યો હશે . સુંદરતા વિષે જો તમે એવું વિચાર. હોવ  કે સફેદ રંગ અને કાળા વાળ તો તમારી  વ્યાખ્યા અધૂરી છે . સાવ જ અધૂરી છે . આપણે તન ની સુંદરતા નકામી અને મન ની સુંદરતા જ મહાન . એવા અતિ આદર્શવાદી વિચારો માં પડવું નથી. કારણ કે શરીર ની સુંદરતા જરૂરી છે જ .  સુંદર ચહેરો શા  માટે જરૂરી છે  એની વાત પણ આવનારા સમય માં ચોક્કસ કરીશું .  આપણી વાત અત્યારે શારીરિક સુંદરતા વિષે જ છે .  સુંદર શબ્દ સાંભળતા આપણા મન માં મોટાભાગે ગોરી વ્યક્તિ નું જ ચિત્ર આવે છે કારણ કે નાનપણ થી આપણા મગજ માં સુંદરતા ની એ જ વ્યાખ્યા છપાયેલી હોય છે. ખાસ કરીને આપણા ભારતીય માનસ માં પહેલેથી  એવી છાપ પડેલી છે . બે વ્યક્તિ આપણી સામે ઉભી હોય જેમાં એક ગોરી ને એક કાળી હોય તો આપણે ગોરી વ્યક્તિ ને પહેલા પસંદ કરીયે છીએ . અને બે માંથી એક ચોર છે એવી ખબર પડે તો આપણને કાળા ઉપર જ શંકા જાય છે. આવું કેમ ? આપણું અજાગ્રત મન અજાણ પણે પણ આવું જ વર્તન કરે છે . કારણ કે આપણે એ જ રીતે ઘડાયેલા છીએ .  કારણ કે સારું , સુંદર એની વ્યાખ્યા સફેદપણા થી જ શરુ થાય છે .  હવે બીજો એક વિચાર કરો કે જ્યાં બધા જ શ્યામ હોય ત્યાં કોણ સુંદર ગણાતું હશે ? અને જ્યાં બધા જ ગોરા હોય ત્યાં કોને સુંદર ગણાતા હશે ?
સુંદરતા સૌથી પહેલી દેખાય છે ચેહરા પર ,   તેના હાવભાવ પર .  કોઈ વ્યક્તિ ની સામે તમે જુઓ અને એની આંખો માં ચમક દેખાય, એના હોઠ હસી ઉઠે તો સ્વાભાવિક જ તમારા ચેહરા ઉપર ય હાસ્ય આવી જ જશે .  સ્વચ્છ , સુઘડ અને શાલીન વ્યક્તિ કુદરતી રીતે તમને ગમશે જ . શ્યામ લોકો નું લાવણ્ય પણ આકર્ષક હોય છે .  મને યાદ છે મારા મોસાળ માં ઘઉં વર્ણી  વ્યક્તિ માટે ભીનો વાન શબ્દ વાપરે . છોકરા છોકરીઓ ના સગાઇ લગ્ન ની વાત ચાલતી હોય તો કહેશે કે છોકરો સહેજ ભીને વાન છે પણ છે બહુ હોશિયાર . જો કે છોકરાઓ માટે તો અંગ્રેજી માં શબ્દો છે - ટોલ ડાર્ક અને હેન્ડસમ . પ્રાઇવેટ કંપનીઓ માં અને કોર્પોરેટ કંપનીઓ માં તમે અનેક લોકો ને જોશો જે કાળા હોય છે પણ તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય  છે .  આપણી ચામડી નો રંગ  ભલે કોઈ પણ  હોય પરંતુ  તમારું શરીર સૌષ્ઠવ જો યોગ્ય હોય , તમને કપડાં પહેરવા ની સૂઝ સારી હોય , તમારી  બોડી લેન્ગવેજ એટલે કે શારીરિક હાવ ભાવ સારા હોય તો તમારું વ્યક્તિત્વ હંમેશા પ્રભાવશાળી બને  છે . ગોરી વ્યક્તિ પણ જો  અસ્વચ્છ હોય , અવ્યવસ્થિત કપડાં પહેરેલી હોય તો તે પ્રભાવ પડી શકતી નથી .
આપણાં આદરણીય પ્રધાન મંત્રી મોદી જી એ કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ તેમના કપડાં ઉપર ઘણી ટિપ્પણી ઓ થઇ હતી . પરંતુ હકીકત એ છે કે આજે સમગ્ર વિશ્વ માં ભારત દેશ નું  નામ આગળ આવ્યું હોય તો એમના પ્રયત્નો અને  એમના પ્રભાવ થકી જ એ બન્યું છે . શક્તિશાળી દેશો માં જેમની ગણના થાય છે એવા ગોરા લોકો ના રાષ્ટ્રપતિઓ હંમેશા પોતાની જાત ને મુઠી ઉંચેરા માનતા હોય છે  . છતાં મોદીજી ની બોડી લેન્ગવેજ અને સમગ્ર વ્યક્તિત્વ એવા છે કે જેના લીધે સામે વાળી વ્યક્તિ તેમના પ્રભાવ માં આવ્યા વગર રહેતી નથી .  અત્યારે અમેરિકા અને રશિયા જેવી મહાસત્તા ઓ ના રાષ્ટ્ર પ્રમુખો મોદી જી ને માંન  આપે છે . અને સૌથી તાજું ઉદાહરણ તો આપણા હાલ ના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ છે . તેઓ રંગે શ્યામ હોવા છતાં સફેદ વસ્ત્રો પહેરે છે . એ પણ એકદમ વ્યવસ્થિત અને સુઘડ .  એમ તો અમેરિકા ના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા પણ બ્લેક જ હતા . જે ત્યાં ના ઇતિહાસ માટે અપવાદ ગણાય છે . એને અસામાન્ય ગણવા માં આવે છે .અમેરિકા , ઓસ્ટ્રેલિયા યુરોપ વગેરે દેશો માં અશ્વેત લોકો પ્રત્યે ભેદભાવ રાખવા માં આવે છે . જો કે એ ભેદભાવ તો સદીઓ થી ચાલ્યો આવે છે .  ગાંધી જી નો સત્યાગ્રહ પણ આ જ કારણે ઉદભવ્યો હતો . ખેર , વાત તો હરી  ફરી ને એ જ આવી કે ગોરું એટલું સારું અને શ્યામ એટલું ખરાબ એ માનસિકતા ના આપણે ગુલામ બની ચુક્યા છીએ .
આજ ના યુગ માં મેકઅપ અને કપડાં ની ફેશન એટલી બધી પ્રગતિ પામી છે કે કોઈ પણ વ્યક્તિ જો યોગ્ય સ્ટાઇલ ના કપડાં પહેરે અને પોતાને સારો લાગે એવો મેકઅપ કરે એટલે તે જરૂરથી આકર્ષક દેખાઈ શકે .  બાકી ગોરા લોકો માં પણ જો શરીર સૌષ્ઠવ ન હોય તો તે આકર્ષણ જમાવતા  નથી .   સુંદરતા તમારા શરીર ના બાંધા  ઉપર, યોગ્ય કપડાં અને તમારા ચેહરા અને આંખ ની ચમક ઉપર આધાર રાખે છે .   તમારી ચામડી નો રંગ  ગોરો હોય કે કાળો , તમારું શરીર સૌષ્ઠવ યોગ્ય હોવું જોઈએ , તમારી કેશ ગુંફણી - હેર સ્ટાઇલ - તમારા ચહેરા ને અનુરૂપ હોવી જોઈએ , કપડાં ના કલર અને ફિટિંગ તમારા શરીર ને અનુરૂપ હોવા  જોઈએ અને  સૌથી મહત્વ નું તમારા હાવ ભાવ ખુશ મિજાજ ગમતીલા હોવા જોઈએ . બસ એ જ છે સુંદરતા .
માટે હેય વુમનિયા , ગોરા હોવ તો છકી ન જશો અને શ્યામ હો તો લઘુતા ન અનુભવશો .
​​