ભારત ની સ્ત્રી સાહસિકો
ટેલિવિઝન ઉપર હમણાં શાર્ક ટેન્ક નામનો એક ટીવી શો આવી ગયો જેમાં પોતાના નાવીન્ય વાળા વિચારો માટે લોકો બીજી મોટી કંપનીઓ પાસેથી પૈસા મેળવી શકે. એ પ્રોગ્રામ માં સ્ત્રી સાહસિકો નું પ્રમાણ ખાસ્સું નોંધપાત્ર જોવા મળ્યું. જુના સમય થી એક સુવાક્ય સાંભળતા આવ્યા છીએ - એક સફળ પુરુષ ની પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે. એ જૂનો જમાનો હતો જયારે સ્ત્રી ને પડદા પાછળ રહી ને કામ કરવું પડતું હતું. આજે સ્ત્રી પોતાના વિચારો પોતે જ અમલ માં મૂકીને કામ કરી શકે છે. વ્યવસાય , કલા અને બિઝનેસ માં પોતાની સૂઝબૂજ નો સુપેરે ઉપયોગ કરીને સફળતા મેળવી શકે છે.
શાર્ક ટેન્ક ઇન્ડિયા માં જજ તરીકે આવતાં નમિતા થાપર એક ફાર્માસ્યુટિકલ કંપની ચલાવે છે. તેઓ માત્ર 44 વર્ષ ના છે અને ભારત ની અગ્રગણ્ય મહિલા સાહસિકો માં તેમની ગણતરી થાય છે. વિનિતા સિંહ તેમાંના બીજા જજ છે જેઓ પણ યુવાન વયે ઘણી સફળતા મેળવી ચુક્યા છે. 17 વર્ષ ની ઉંમરે જ તે નક્કી કરી ચુક્યા હતા કે તેને બિઝનેસ કરવો છે. IIM અમદાવાદ થી મેનેજમેન્ટ ડિગ્રી મેળવીને એક ખુબ જ મોટા પગાર ની જોબ ની ઓફર તેમણે નકારી હતી. અને પોતાનો નાનો ધંધો શરુ કર્યો હતો. પ્રથમ પ્રયાસ માં નિષ્ફળતા મળવા છતાં તે હાર્યા વગર બીજા પ્રયાસ માં લાગ્યા અને સફળતા પણ મેળવી. કિરણ મઝુમદાર પણ એક નામાંકિત ઉદ્યોગ સાહસિક છે તેઓ પણ ફાર્માસ્યુટિક કંપની ચલાવે છે. એલિસ વૈદ્યન ઇન્સ્યોરન્સ કંપની ના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર છે. જેમણે ભારત ની ટોચની 10 વીમા કંપનીઓ માં પોતાની કંપની ને પહોંચાડવા નોંધપાત્ર યોગદાન આપ્યું. ઝરીન દારૂવાલા એ પોતાના બુદ્ધિ કૌશલ્ય થી માત્ર 2 જ વર્ષ માં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક ને નફો કરતી કરી દીધી . ઝિયા મોદી ની વકીલાત ની પેઢી ભારત ની ટોચ ની એડવાયસરી કમ્પનીઓ માંની એક છે. જેમણે વિશાળ કંપનીઓ ના મર્જર ના સોદા પાર પાડ્યા છે. આવા તો અનેકાનેક નામો મળી આવશે.
દશકા ઓ પહેલા જયારે સ્ત્રી સશક્તિકરણ નો પવન ફૂંકાયો ત્યારે શરૂઆત માં નોકરી કરતી સ્ત્રીઓ ને જોઈ લોકો ભવા ઊંચા કરતા . એટલે કે સ્ત્રીઓ ને જોઈને કૌતુક અનુભવતા. સાઈઠ સિત્તેર ના દાયકા માં કામ કરવા વાળી મહિલા ઓ ને ખુબ માનસિક હિંમત ની જરૂર પડતી. એ સમય એવો હતો કે ઘર ના સભ્યો નો સાથ સહકાર પણ મળતો ન હતો. મોટેભાગે એવું ચિત્ર હતું કે આર્થિક જરૂરિયાત હોય તો જ સ્ત્રીઓ કામ કરતી એટલે કે નોકરી કરતી. અપવાદરૂપ મહિલા ઓ તો ત્યારે પણ હતી. ઘણા કુટુંબ એવા હતા જેમણે પોતાની દીકરીઓ ને કારકિર્દી બનાવવા માટે નાનપણ થી જ પ્રોત્સાહિત પણ કરી હોય. પણ એ વર્ગ જૂજ હતો. હવે આજે પચાસ વર્ષો પછી સમય એટલો બધો બદલાઈ ગયો છે કે દરેક ઘર માં દીકરી , વહુઓ નોકરી કે કામ ધંધો કરતી જોવા મળે છે. ઘર માં દીકરા ની સાથે ને સાથે દીકરી ને પણ કેરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. નોકરી ધંધો કરતી સ્ત્રીઓ દરેક ઘર માં સામાન્ય ગણાવા લાગ્યું છે. અને એથીય આગળ વધીને આજે સ્ત્રી ઓ ના વડપણ હેઠળ કામ કરતા અનેક પુરુષો પણ જોવા મળે છે. જે બાબત પુરુષો ને પણ અસામાન્ય નથી લાગતી. પહેલા જે અસહજતા હતી તે હવે રહી નથી. આજે દેશ દુનિયા માં મહિલા સાહસિકો ની સંખ્યા માં નોંધપાત્ર વધારો થયો છે અને હજી પણ ઉત્તરોત્તર તેમાં વધારો થઇ રહ્યો છે. સ્ત્રી ઓ કુશળ મેનેજર - વહીવટ કર્તા સાબિત થઇ રહી છે તે વિષય પર હમણાં જ મેં એક આર્ટિકલ લખ્યો હતો. ભારત માં અને વિદેશો માં પણ મહિલા આંત્રપ્રિનિયોર એટલે કે સાહસિકો ની સંખ્યા વધી રહી છે. આપણા દેશ માં પ્રધાનમંત્રી મોદીજી એ સ્ટાર્ટ અપ પ્રોત્સાહન માટે નાણાકીય યોજના ઓ ઉપલબ્ધ કરાવી છે. અને એ સિવાય પણ મોટી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ લોન ઉપલબ્ધ કરાવી રહી છે.
જો કે આવનારો સમય હું એવો જોઈ રહી છું જેમાં સ્ત્રીઓ ને પ્રોત્સાહન માટે આવા અલગ લેખો ની જરૂર જ નહીં રહે. તમારો બોસ , તમારો બિઝનેસ નો મલિક સ્ત્રી છે કે પુરુષ એ વાત થી કોઈ ને ફરક નહીં પડે. અને આપણે પણ એ જ રીતે જોતા દ્રષ્ટિ કેળવવી જોઈશે.

No comments:
Post a Comment