Read Blog in other languages like - Hindi, English

Thursday, 9 February 2023

પ્રાર્થના - ભગવાન સાથે સીધો સંવાદ

 

પ્રાર્થના - ભગવાન સાથે સીધો સંવાદ 

કંચનબા ભજન ગાઈ રહ્યા હોય ત્યારે એવું લાગે કે જાણે સાક્ષાત ભગવાન ઉતરી આવશે એમની સામે.  ઘરનાં બધા લોકો એકાકાર થઇ જાય.  ભલે બધા પોતાની જગ્યા એ પોતાનું કામ કરતા હોય પણ કંચનબા સવાર માં પૂજા કરતા કરતા જે ગીતો અને પ્રાર્થનાઓ કે ભજન ગાતા હોય ત્યારે બધાને સંભળાતું હોય અને બધા ભક્તિરસ નો આનંદ લેતા હોય.  પ્રભુ ભક્તિ નું એક પ્રાચીન અને સર્વવ્યાપી સ્વરૂપ એટલે પ્રાર્થના.  

દુનિયા ના લગભગ બધા જ ધર્મો માં પ્રાર્થના એક કે બીજા સ્વરૂપે રહેલી છે.  પ્રાર્થના એટલે આપણો ભગવાન સાથે નો સીધે સીધો સંવાદ.  આપણે માણસજાત આમ તો પ્રભુ સાથે સંવાદ મા પણ માંગણીઓ જ મુકતા હોઈએ.  કદાચ એટલે જ પ્રાર્થના એવો શબ્દ ઉપયોગ માં આવ્યો હશે જેનો મતલબ વિનંતી એવો થાય છે.  ક્રિશ્ચિયન લોકો પણ અંગ્રેજી શબ્દ પ્રેયર વાપરે છે જેનો મતલબ પણ વિનંતી જેવો થાય છે.  સૃષ્ટિ ના સર્જનહાર ઈશ્વર જ સર્વ  શક્તિમાન છે. એટલે આપણે પામર માનવી આપણી દુન્યવી ઈચ્છાઓ પુરી કરવા ઈશ્વર ને શરણે જ જઇયે છીએ. અને એ આપણી ઈચ્છાઓ પ્રાર્થના કે ભજન  માં  શબ્દ  સ્વરૂપે પ્રદર્શિત કરીયે છીએ.  

પ્રાર્થના રોજ કરવામાં આવે અને ખરા હૃદય થી કરવામાં આવે તો ઈશ્વર સુધી જરૂર પહોંચે જ છે.  સંગીત માનવજીવન નું અગત્ય નું અંગ છે.  આપણા માનસ સાથે પણ સંગીત જોડાયેલું છે.  એટલે પ્રભુ ની ભક્તિ કરવામાં માત્ર ગદ્ય સ્વરૂપે શબ્દો નો ઉપયોગ કરવાના બદલે એને તાલ અને લય સાથે ગાઈને સંભળાવવા માં અનેરો આનંદ આવે છે. ક્યારેક જાતે અનુભવ કરજો કે  કોઈપણ ગીત ગાતી વખતે આપણને એવું લાગે છે જાણે આપણે હૃદય ના ઊંડાણ માંથી અભિવ્યક્ત કરી રહ્યા છીએ.  એટલે જ કદાચ પ્રાર્થના પણ કાવ્યાત્મક સ્વરૂપે રચાઈ છે જેને ગાઈને વ્યક્ત કરવામાં આવે છે.  અને એટલે ભક્ત ગાતી વખતે એમાં એકાકાર થઇ જાય છે.  જુઓ ને આપણે જયારે અતિશય આનંદ માં હોઈએ ત્યારે પણ ગીત ગણગણતા હોઈએ છીએ.  કુદરતી રીતે માણસ ના મન સાથે કાવ્યાત્મક અભિવ્યક્તિ સંકળાયેલી છે.  

પ્રાર્થના નું બીજું એક અગત્ય નું પાસું એ છે કે એ આપણા સબ કોન્સિયસ માઈન્ડ એટલે કે અજાગ્રત મન ને કેળવે છે.  આપણું અજાગ્રત મન અપાર શક્તિ ધરાવે છે.  જો આપણે એને કેળવી શકીયે તો અશક્ય વસ્તુઓ શક્ય બની શકે છે.  આપણા પ્રાર્થના - ભજન ના શબ્દો હંમેશા પરમ પિતા ઈશ્વર ની મહત્તા દર્શાવતા હોય છે તથા આપણાં જીવન માં પોઝિટિવ વિચારો અને વર્તન ને પોષનારા હોય છે.  ઘણા ભજનો સુવિચાર ની જેમ સારું આચરણ કરવા માટે ના ઉપદેશ આપનારા હોય છે.  આ પ્રાર્થના અને ભજનો ને વારંવાર ગાવા ને સાંભળવામાં આવે એટલે અજાગ્રતપણે આપણા મન મગજ માં આ વિચારો રોપાઈ જતા હોય છે.  અને જરૂરી સમયે આ વિચારો  આપણા માટે ગાઈડ નું કામ કરે છે.  

ભગવાન પ્રત્યે ની આસ્થા આપણા માટે મનોબળ મજબૂત કરવાનું કામ કરતી હોય છે.  પ્રાર્થના અને ભજન ના શબ્દો આપણી આ આસ્થા ને મજબૂત કરે છે.  આપણે રોજ રોજ પ્રાર્થના માં જે શબ્દો બોલીયે તે આપણું અજાગ્રત મન સાંભળતું હોય છે.  અને આપણા અજાણતા એ મન આપણા જાગ્રત મન ને આશ્વસ્ત કરે છે કે પ્રભુ આપણી સાથે છે.  પ્રભુ ભક્તિ થી એટલે જ આપણું મન શાંત બનતું હોય છે.  ખુબ ભજન ગાનારા ભક્ત ઘણીવાર આપણને મોજીલા અને નફિકરા લાગતા હોય છે એનું કારણ એ જ છે.  પ્રાર્થના અને ભજન ના શબ્દો એ એમના અજાગ્રત મન થકી જાગ્રત મન ને કેળવી દીધું હોય છે કે પ્રભુ ભક્તિ જીવન ને સાચા માર્ગે લઇ જાય છે.  એમનુ મન આશ્વસ્ત હોય છે કે ભગવાન એમની સાથે જ છે અને એમનું ખરાબ ક્યારેય નહીં થવા દે.  

નરસિંહ મહેતા ને આપણે સૌ જાણીયે છીએ.  એમનું આખું જીવન પ્રભુ ભજન માં જ વીત્યું.  એમને ભગવાન ઉપર એટલી બધી શ્રદ્ધા બેસી ગઈ હતી કે તેમના સંસાર ના દુઃખો ને પણ એમણે ઉદાર મન રાખી સ્વીકારી લીધા હતા.   બધું જ કૃષ્ણાર્પણ કર્યું હતું.  એમના જેટલી ભક્તિ તો આપણા જેવા સાંસારિક લોકો માટે શક્ય નથી.  પરંતુ દિવસ ના 14,15 કલાક ના સમય માંથી થોડો સમય આપણે પ્રભુ સ્મરણ માં જરૂર આપવો જોઈએ.  સવાર નો સમય તો ઉત્તમ હોય જ છે.  શક્ય હોય તો સવારે જ પ્રાર્થના અથવા શ્લોક નું પઠન કરી શકાય.  ઘણા બધા ઘરો માં સવાર માં ભક્તિ સંગીત સાંભળવાની ટેવ હોય છે.  જે ખુબ ઉત્તમ છે.  આજકાલ તો ટીવી ઉપર પણ સવાર માં દરેક ધર્મો નું ભજન , કીર્તન આવતું હોય છે.  ઉઠતાવેંત સુંદર વિચારો વાળું ભજન સાંભળીને દિવસ ની શરૂઆત કરવામાં આવે તો આપણું મન પ્રફુલ્લિત બને છે અને પછી દિવસ આખો સારો જ જાય. 

આપણે ત્યાં સાયં આરતી ની પણ પરંપરા છે.  સાંજે અંધારું શરુ થતા આપણે ઘર માં લાઈટ શરુ કરીયે છીએ અને મંદિર માં દીવો પ્રગટાવીએ છીએ.  એ સમયે પણ ભગવાન ને પ્રાર્થના કરવામાં આવે છે.  પણ સુતા સમયે બહુ ઓછા લોકો ભગવાન ને યાદ કરે છે.  એમાંય છેલ્લા પંદર વિસ વર્ષો થી તો TV સિરિયલ જોઈને સુવાની ટેવ પડી ગઈ છે.  પણ ખરી રીતે સુતા પહેલા પણ જો ભગવાન ને પ્રાર્થના કરીને સુવા માં આવે તો આખા દિવસ ના નકારાત્મક વિચારો ને દૂર થાય છે અને ભગવાન ઉપર આસ્થા વધી જાય છે.  કેટલીક વાર દિવસ ના કામ કાજ ના અંતે ઘણી ચિંતાઓ મગજ માં આવી ગઈ હોય છે.  આપણી નાનકડી પ્રાર્થના એમાં દિવા જેવું કામ કરે છે.  સઘળું જાણે ભગવાન ને સોંપી દઈને આપણે હળવા બની જઇયે છીએ.  અને આરામ થી શાંત ચિત્તે સુઈ શકીયે છીએ.  

પ્રાર્થના ની નાનકડી આદત આપણા જીવન ને ઘણી મોટી આશા અને હકારાત્મક્તા પ્રદાન કરે છે.  




No comments:

Post a Comment