Read Blog in other languages like - Hindi, English

Tuesday, 7 February 2023

ઓવર સ્માર્ટ વહુ

 ઓવર સ્માર્ટ વહુ 


તાન્યા ના લગ્ન ને હજુ એક બે મહિના માંડ થયા છે.  પણ એણે નવા ઘર માં આવતાવેંત જ બધું સંભાળી લીધું છે.  જમાના પ્રમાણે સગાઇ પછીના સમય માં એ અવારનવાર સાસરા ગૃહે આવી ચુકી હતી અને એટલે ત્યાંની રીત રિવાજ ટેવો વિશે ઘણું જાણતી હતી.  વળી આજકાલ જે ચોવીસ કલાક ઓનલાઇન ભેગા જીવવાનું ચલણ થઇ ગયું છે એના લીધે ત્યાંના ઘર ની ઘણી વાતો એ જાણવા લાગી હતી.  એટલે લગ્ન બાદ બહુ ઝડપ થી બધું સેટ કરવા લાગી.  આમતો ઘર ની વહુ બધો કારભાર સંભાળવા લાગે એ બહુ સારું કહેવાય.  પરંતુ તાન્યા ના સાસુ સસરા ને  થોડાક જ દિવસો માં અજુગતું લાગવા માંડ્યું.  

થયું છે એવું કે તાન્યા ઉચ્ચ અભ્યાસ કરેલી હતી અને સારી પોસ્ટ ઉપર નોકરી પણ કરે છે પરંતુ તેનો આત્મવિશ્વાસ એટલો બધો વધારે છે કે દરેક બાબત માં તેને લાગે છે કે તેનું જ્ઞાન અનુપમ છે.  મને બધું જ ખબર છે.  એના લીધે ઘર ની દરેક બાબત માં દરેક વ્યક્તિ ને એ અચૂક સલાહ આપતી રહે છે. શરૂઆત છે અને શિક્ષિત ઘર છે એટલે એને કોઈ સામો જવાબ આપી નથી રહ્યું પણ અણગમો ઉભો થઇ રહ્યો છે.  તાન્યા ને એ દેખાતું નથી પણ ભવિષ્ય માં આ બહુ મોટો પ્રોબ્લેમ બની શકે છે.  તાન્યા ની મોટી બહેન નું એના સાસરે ઘણું માન છે.  એની ગણતરી ખુબ ડાહી અને ઠરેલ વ્યક્તિ તરીકે થાય છે.  એટલે તાન્યા ને પણ એવું લાગ્યું કે હું ય મારા ઘર માં નામના મેળવી લઉં . પરંતુ એ ભૂલી ગઈ કે એની બહેન એ લગ્ન ના બીજા જ દિવસ થી ઘર ના લોકો ઉપર પોતાની સલાહ નો મારો નહોતો ચલાવ્યો.  દરેક બાબત માં પોતાનું ડહાપણ પ્રગટ નહોતું કર્યું.  સમય જતા એના ગુણો ઘર ના સભ્યો જાણવા લાગ્યા અને એનું માન વધવા લાગ્યું.  


હમણાં લગ્નો ની મોસમ ચાલી રહી છે અને અનેક નવવધૂઓ પોતાના નવા સંસાર માં પ્રવેશી રહી છે.  સ્વાભાવિક છે કે બંને પક્ષે લગ્ન પછી ના ફેમિલી સંબંધો બાબતે આતુરતા , જિજ્ઞાસા હોય અને બંને પક્ષો એટલે કે નવવધૂ અને ઘર ના સભ્યો બંને એવું જ ઇચ્છતા હોય કે સામેવાળા પોતાની અપેક્ષા પ્રમાણે ખરા ઉતરે. પરંતુ હકીકત ની દુનિયા માં એ પૂરેપૂરું શક્ય નથી હોતું.  એક બે દિવસ માટે તમે કોઈ મહેમાન ને ઘરે સાચવો અને  પ્રાથમિકતા આપી શકો છો.  મહેમાન ની પસંદગી નું ભોજન બને , એની સગવડતા પ્રમાણે શિડ્યુલ બને એવું થઇ શકે પણ ઘર માં આપણી સાથે કાયમ રહેવા વાળી વ્યક્તિ ને તમે મહેમાન ની જેમ ન રાખી શકો.  ઘર ની વ્યક્તિઓ બધી જ એકસરખી હકદાર અને જવાબદાર છે.   નવી વહુ ઘર માં આવે એટલે એ ઘર ની પરમેનેન્ટ મેમ્બર બની જાય છે.  જુના જમાના માં વહુઓ સાસરે દબાઈ ને રહેતી હતી , સાસુઓ થી ડરતી હતી.  હવે સ્ત્રી સશક્તિકરણ થયું , અભ્યાસ વધ્યો , સ્ત્રીઓ આર્થિક પગભર બની.  આ બધાના કારણે ઘણા બધા કુટુંબો માં એવું જોવા મળી રહ્યું છે કે નવી વહુઓ બહુ ઝડપથી ઘર ઉપર પોતાનો પ્રભાવ જમાવવા માંગે છે.  તાન્યા ના કેસ માં જોયું એમ દરેક બાબતે એવું વર્તન કરે કે મને બધી જ ખબર પડે છે.  

ખરું જોતા આ તદ્દન બાલિશ વર્તન કહેવાય.  તાન્યા ની મોટી બહેને અપનાવેલ રીત સાચી કહેવાય.  નવોઢા એ નવા ઘર માં પ્રવેશ્યા પછી થોડા ઘણા સમય સુધી ઘર ના લોકો ના વિચારો જાણવા અને સમજવા જોઈએ.  ધીરજપૂર્વક બધા સાથે રહીને એમનો સ્વભાવ સમજવો જોઈએ.  દરેક વ્યક્તિ એક જ વખત માં સમજાઈ ન જાય. આપણે એમની સાથે સમય વીતાવીયે ત્યારે સાચી ખબર પડે.  ઘર ની બધી વ્યક્તિ સારી કે ખરાબ નથી હોતી.  એમ તો નવવધૂએ યાદ રાખવું જોઈએ કે તેના પિયર ના ઘર માં પણ બધી વ્યક્તિ માત્ર સારી જ નથી હોતી.  દુનિયાભર માં બધા લોકો નો સ્વભાવ અલગ જ હોય છે. પુત્રવધુ એ પોતાના શ્વસુરગૃહ ને તેના બધા મેમ્બર સાથે અપનાવવા ની માનસિકતા રાખવી જોઈએ.  એકાદ બે વર્ષ નો સમય પસાર થાય અને ઘર ના લોકો નો પ્રેમ અને વિશ્વાસ સંપાદિત થઇ જાય પછી જરૂરી લાગે ત્યાં સલાહો આપવી યોગ્ય છે પરંતુ આવતાવેંત જ જો ઘર ના વડીલો ને સલાહ નો મારો ચલાવવા માં આવે અથવા તો ઘર માં સતત " આ ખરાબ છે તે સુધારો પેલું ખોટું છે એ બદલાવો " , એવું કહેવામાં આવે તો ઘર ના લોકો ને અણગમો થઇ શકે છે.  કોઈ પણ ઘર વર્ષો થી જે રીતે સંચાલિત થતું આવ્યું હોય એની રૂઢિ ઘર ના લોકો માં બેસી ગઈ હોય.  એ બીજાની દ્રષ્ટિ માં ન ગમતું હોઈ શકે પણ ઘર ના લોકો એનાથી ટેવાયેલા હોય એને રાતોરાત બદલી ન શકાય.  અને હું તો કહું છું કે નુકસાનકર્તા ન હોય એવી રીત રિવાજ ને ફેરવવાની જરૂરેય શું છે.  માત્ર પોતાનો પ્રભાવ બતાવવા ઘર ની બધી વસ્તુઓ માં પોતાની ટાંગ અડાડવાની કોઈ જરૂર હોતી નથી.  

એટલે હેય વુમનિયા નવા ઘર માં જઈને શરૂઆત ધમાકેદાર કરવાની કોઈ ઉતાવળ નથી.  આ લાઈફ ટવેન્ટી ટવેન્ટી ની મેચ નથી ટેસ્ટ મેચ છે.  નિરાંતે રમશો તો મેન ઓફ ધ મેચ બનશો.  બહુ ઉતાવળે સિક્સર મારવાની કોશિશ કરશો તો આઉટ થઇ જવાશે.  




No comments:

Post a Comment