Read Blog in other languages like - Hindi, English

Thursday, 2 February 2023

બાળકો ને વારસા માં ધન નહીં પણ જ્ઞાન આપો

 બાળકો ને વારસા માં ધન નહીં પણ જ્ઞાન આપો 


પરીક્ષા પે ચર્ચા 2023 કાર્યક્રમ દરમ્યાન આપણા પ્રધાન મંત્રી મોદીજી એ એક વાત કરી કે આજકાલ આપણા જીવન મૂલ્યો નો હ્રાસ થતો જાય છે.  અગાઉ ના સમય માં જે વસ્તુઓ ખરાબ ગણાતી હતી, જેનાથી નામોશી થતી હતી તેને લોકો આજે સ્માર્ટનેસ તરીકે લેવા લાગ્યા છે.  પોતાની આવડત સમજવા લાગ્યા છે.  આ આપણા નૈતિક મૂલ્યો નું પતન દર્શાવે છે.  જે બાબતે આપણે હીનતા અનુભવવી જોઈએ તે બાબત ને ગર્વ તરીકે લેવા લાગીયે ત્યારે આપણી માનસિકતા , નૈતિકતા ને પ્રામાણિકતા કઈ દિશા તરફ વળી રહી છે તે વિચારવું પડે.  

મોટા નેતાઓ , મોટા ઉદ્યોગપતિઓ અને સફળ ગણાતા લોકો ને જોઈને આપણે સામાન્ય માણસો પ્રેરણા મેળવતા હોઈએ છીએ.  ખાસ કરીને નેતાઓ અને ઉદ્યોગપતિઓ એ તેમની નાની ઉંમર માં કરેલા સંઘર્ષ અને ત્યારપછી મેળવેલ સફળતા ની વાતો લોકો માં પ્રદર્શિત કરાતી હોય છે અને આપણને એમાંથી પ્રેરણા લઈને જીવન માં આગળ વધવાનું પ્રોત્સાહન મળતું હોય છે.  ખરી રીતે એમ j હોવું જોઈએ.  આપણી આસપાસ ના નામાંકિત લોકો અને દુનિયા ના અન્ય નામાંકિત લોકો નું  જીવન દર્શન માણસો ne દીવાદાંડી રૂપ હોવું જોઈએ.  પરંતુ દુર્ભાગ્યે એજ ના યુગ માં સફળતા અને નામના ની વ્યાખ્યા બદલાઈ રહી છે કદાચ સંકુચિત થઇ રહી છે.  સંપત્તિવાન હોવું એ સૌથી મોટી લાયકાત ગણાવા લાગી છે.   ચારિત્ર્યવાન લોકો ને સમાજ માં નિઃશંક માન મળે જ છે પરંતુ આજકાલ પૈસાપાત્ર લોકો ને જે રીતે પ્રસિદ્ધિ મળી રહી છે તેનાથી સમાજ માં ખોટું ઉદાહરણ બેસી રહ્યું છે કે પૈસા હોવા એ જ સૌથી મોટી લાયકાત છે.  પૈસા આપીને તમે ખોટા કામ ને સાચું ઠેરવી દઈ શકો એનાથી  અન્ય લોકો અને ખાસ કરીને યુવા વર્ગ ના માનસ માં એવું ચિત્ર અંકિત થવા લાગે છે કે પોતાની પાસે પૈસા હોય તો તમે રાજા બની જાવ છો એટલે કે પોતાની દરેક ઈચ્છા પુરી કરી શકો છો.  

હમણાં થોડા જ સમય પહેલા ફિલ્મ ઉદ્યોગ ના નામાંકિત કલાકાર શાહરુખ ખાન ના દીકરા ની ડ્રગ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.  એ સમયે ખાસ્સી ચર્ચાઓ એ જોર પકડ્યું હતું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ડ્રગ અને દારૂ ના દુષણ વિષે ઘણી હકીકતો સામે પણ આવી. એનાથી સ્વાભાવિક રીતે જ યુવાનો માં એવું દ્રષ્ટાંત સામે આવ્યું કે પૈસા થી મોજ મજા કરવી એ જ સાચી જિંદગી છે.  મોજ મજા કરવા માટે મોંઘી પાર્ટીઓ કરવી જોઈએ જેમાં કાંઈ પણ સમાવિષ્ટ હોય દારૂ જુગાર અને ડ્ગગ્સ .  અને આપણી પાસે પૈસા હોવા જ જોઈએ જેથી કરીને આપણા કોઈપણ નૈતિક કે અનૈતિક કામો ને વ્યાજબી ઠેરવી શકાય.  ખરું જોવામાં આવે તો એ નાલેશી ભર્યું છે.   


મોદીજી એ એ ચર્ચા દરમ્યાન ઉલ્લેખ પણ કરેલો કે પરીક્ષાર્થીઓ ઘણીવાર શેખી મારતા હોય છે કે સુપરવાઈઝર ને પૈસા ખવડાવી દીધા છે આપણે તો પાસ થઇ જ જવાના.   હવે જયારે ખરેખર એ વ્યક્તિ પાસ થઇ જાય ત્યારે ખરી મહેનત કરનારા ખુબ જ નિરાશ થઇ જાય .   પરીક્ષાર્થી ને મન માં વિચાર આવી જાય કે એના મા બાપ પણ પૈસા ખર્ચી શકતા હોત તો એ પણ પાસ થઇ જાત.  સમય વીતતા લોકો ની માનસિકતા બદલતી જાય અને બધા લોકો એવા જ પ્રયત્નો કરે કે ગમે તેમ કરીને કામ થવું જોઈએ.  છેલ્લા કેટલાક સમય થી પેપર ફૂટવાની જે ઘટનાઓ બની રહી છે એને જોતા એવું જ લાગે છે કે લોકો ને ગમે તેમ કરીને લક્ષ્ય હાંસિલ કરવું છે.  વારંવાર પેપર લીક થઇ રહ્યા હોય , સરકાર પણ અનેક પગલાંઓ લેતી હોય તકેદારી રાખતી હોય છતાં પણ  પેપર લીક થાય એનો મતલબ એમ છે કે હજી પણ લોકો ને શોર્ટકટ લઈને પરીક્ષા પાસ કરવામાં જ રસ છે. લખો ઉમેદવારો પરીક્ષા ની તૈયારી કરતા હોય તેમાંથી બે ચાર ઉમેદવારો એવા નીકળી જ આવે છે  જે પૈસા ખરચી ને નોકરી મેળવવા માંગે છે.  સમાજ માં આવા લોકો વધી રહ્યા હોય તો એ આપણું મોટું દુર્ભાગ્ય છે.   આપણા સમાજ નું નૈતિક સ્તર કેટલું નીચું જઈ  રહ્યું છે.  કોઈ વ્યક્તિ એ મેળવેલ પૈસા અને પદવી ને જ જોવામાં આવે પરંતુ એ મેળવવા માટે એણે અનીતિ નો સહારો લીધો હોય તેને અવગણવામાં આવે તેવી માનસિકતા આપણા સમાજ ને અધઃ પતન  તરફ લઇ જાય છે.  

આ બધું ખુબ જ ધીમું ઝેર છે.  જે આપણા સામાજિક મૂલ્યો ને ખતમ કરી નાખે છે.  ચમકતા અધખુલ્લા કપડાં , રાત્રે જ થતી પાર્ટીઓ , અનેક લોકો સાથે બનતા સંબંધો , અનૈતિક સંબંધો બાબતે બેશરમી , વ્યસનો આ બધું અનિષ્ટ છે.  આ બધું જીવન ને ઉર્ધ્વગામી બનાવવાના બદલે પતન ની ખીણ માં જ ધકેલે છે.  તેની સામે અંબાણી , ટાટા, નારાયણ મૂર્તિ જેવા પરિવારો પ્રેરણા રૂપ હોય છે.  જેઓ પૈસા નો ઉપયોગ અનિષ્ટ કારી આનંદ પ્રમોદ માટે નથી કરતા.  તેમના બાળકો ઉચ્ચ  અભ્યાસ પણ કરે છે અને વડીલો એ સ્થાપેલા બિઝનેસ ને આગળ ધપાવવા માં કાર્યરત બને છે.  આ બધા પાછળ કુટુંબ ના સંસ્કાર અને મૂલ્યો મોટો ભાગ ભજવે છે.  અંબાણી કુટુંબ જેવું જ ઇન્ફોસિસ ના સ્થાપક નારાયણ મૂર્તિ નું કુટુંબ પણ છે.  જેમના બાળકો અભ્યાસ કરીને ઉચ્ચ પદવી પર કાર્યરત છે.  તમે કરોડો રૂપિયા જો માત્ર એટલા માટે કમાતા હોવ કે તમારા બાળકો ને કામ ન કરવું પડે અને બેઠા બેઠા પૈસા વાપરી શકે , તો તમારા થી મોટું તમારા બાળકો નું દુશ્મન કોઈ નથી.  તમારા સંતાન ને જ્ઞાન આપવાના બદલે માત્ર ધન ના ઢગલા ઉપર બેસાડી દઈને તમે એનું જીવન બરબાદ કરી રહ્યા છો.    

તમારા પૈસા એનું જીવન સરળ બનાવવા માટે ઉપયોગી હોય એમાં કઈ ખોટું નથી પણ એમને પૈસા નું મૂલ્ય પણ સમજાવવું જોઈએ અને સાથે સાથે સાચા રસ્તે મહેનત થી જ પૈસા કમાવા જોઈએ એ જ્ઞાન આપવું જોઈએ.  પૈસા કમાવા કે પ્રતિષ્ઠા મેળવવા ના શોર્ટકટ હોઈ ન શકે.  સખત મહેનત નો કોઈ વિકલ્પ હોતો જ નથી.  આ પાયાની સમજણ આપણે આપણા સંતાનો માં  કેળવવી જ જોઈએ.  એમના પોતાના આવનારા ભવિષ્ય માટે પણ એ જ ગુરુચાવી છે અને આખા સમાજ ની સુખાકારી માટે પણ એ જ ગુરુચાવી છે.  

આપણે પોતે એવું માનતા હોઈએ કે ગમે તેમ કરીને પૈસા આવવા જ જોઈએ તો બાળકો પણ એવું જ શીખશે.  અને એ સારા નરસા નો ભેદ સમજશે નહીં.  ગુનાહિત રસ્તે ચાલવામાં એ અટકશે નહીં.  એટલે જ આપણે પોતે એ ખાઈ માંથી બહાર રહેવું જોઈએ અને સંતાનો ને પણ નીતિયુક્ત શિક્ષણ આપવું જોઈએ. ધન કરતા જ્ઞાન નું મૂલ્ય હંમેશા વધુ જ હોય છે  




No comments:

Post a Comment